અનુનય/સંગમઘાટે

સંગમ ઘાટે

લોકપાવની ને કાવેરીના સંગમ ઘાટે
પાણીમાં ડૂબેલા પગથિયા ઉપર
ઊભાં હતાં આપણે.
માછલીએ
તમારી પાનીઓ આગળ
ટોળે વળી હતી.
ઓચિંતી તમને સાંભરી આવી પંક્તિ :
व्यतिपजति पदार्थानान्तरः कोऽपि हेतुः ।
ને મને :
यथा काष्ठं च काष्ठं च ।
ત્યારે
ચાર આંખોમાં ચકરાવે ચઢેલી
એ અળખામણી અમૂંઝણને
સંગમ ઘાટે, વલવલતા
વમળમાં ડુબાડી શકાઈ હોત તો...

૧૪–૫-’૭૨