અભિમન્યુ આખ્યાન/કડવું ૧૧

કડવું ૧૦

[પોતાને પેટીમાંથી બહાર કાઢવા ભાર્ગવરૂપ શ્રીકૃષ્ણને અહિલોચનની વિનંતી. એ તો હજી પોતાને પેટીમાં પૂરવાના ગુરુના કાર્યને મજાક-મશ્કરી જ માને છે.

કડવાની પ્રત્યેક પંક્તિ ‘ગુરુજી’થી અંત પામે છે. ‘મામેરું’માં કુંવરબાઈના સીમંત પ્રસંગે સાસુ જે પત્ર લખાવે છે એમાં પ્રત્યેક પંક્તિને છેડે આવતા ‘વહુજી’ શબ્દની સમગ્ર લઢણ અહીં પણ રસપ્રદ છે.]


રાગ ગોડી મલ્હાર
પેટીમાંથી કહે છે કુંવર : ‘શું બોલો છો વ્યંગ, ગુરુજી?
તમારે તો હસવું થાયે, મુને અગ્નિ લાગ્યો અંગ, ગુરુજી!          ૧

બીજે સ્થાનક કૌતુક કીજે, જ્યાં હોય હસ્યાનો ઠાર, ગુરુજી!
વિલંબ થાશે એક પલકનો, તો મુજ જીવ જાશે નિર્ધાર, ગુરુજી!          ૨

શા માટે મુખથી નવ બોલો? બોલોને શુક્રાચાર્ય, ગુરુજી!
વહાલા થઈને વેર વાળો છો, રખે કરતા કૃષ્ણનું કાર્ય, ગુરુજી!          ૩

તમને સમ છે બ્રહ્મા-ભૃગુના, જો ન ઉઘાડો દ્વાર, ગુરુજી!
તમારા સમ, જો અંત આવ્યો, તો મૂઓ નિરાધાર, ગુરુજી!          ૪

બધિરપણું શું હવણાં આવ્યું, જે નથી સાંભળતા વાણ? ગુરુજી!
જો નહિ કાઢો આ સંકટથી, તો માતાપિતાની આણ. ગુરુજી!          ૫

ઓ શીત વ્યાપ્યું શરીરે મારે, કંઠે પડિયો શોષ, ગુરુજી!
મનના મનોરથ મનમાં રહ્યા, મારે જાવું પડ્યું જમલોક, ગુરુજી!          ૬

અંબુજમાં બંધાયો મધુકર, પેસે જાણી વાસ, ગુરુજી!
તેમ હું પેટી માંહે પેઠો આણી તમારો વિશ્વાસ, ગુરુજી!          ૭

ઘરમાં ઘાલી ઘાત ન કીજે, જ્યારે ખોળે મેલ્યું શીશ, ગુરુજી!
જે પોતાનો તેને દુઃખ દેતાં દુભાયે જગદીશ, ગુરુજી!          ૮

ગુરુ પિતા! હું પુત્ર તમારો, હવે નિશ્ચે જાયે પ્રાણ, ગુરુજી!
મારી માતા ટળવળીને મરશે, ભેદશે દુઃખનાં બાણ, ગુરુજી!          ૯

વલણ
ભેદશે બાણ ને પ્રાણ જાશે, માતા તો નિશ્ચે મરે.’
અકળાયો અહિલોચન, પછે અવિનાશી વાણી ઓચરે.          ૧૦