અભિમન્યુ આખ્યાન/કડવું ૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૦
[કૃષ્ણની પ્રપંચવાણીમાં ફસાયેલો અહિલોચન પેટીમાં પ્રવેશવા તૈયાર થાય છે; પણ માતાની શીખ સાંભરી આવતાં શંકા કરે છે. કૃષ્ણ વિશેષ છલવાણી ઉચ્ચારી એને વિશ્વાસમાં લે છે અહિલોચન પેટીમાં પ્રવેશી અત્યંત ગૂંગળામણ અનુભવે છે. કૃષ્ણ સત્ય હકીકતનો ઘસ્ફોટ કરે છે.]


રાગ વેરાડી
સંજય કહે : સાંભળિયે, રાય! પરપંચ પ્રભુનો નવ પ્રિછાય;
મોહને નાખ્યો માયા-ફંંદ, અહિલોચન પામ્યો આનંદ.          ૧

‘ધન્ય ધન્ય, મારા ગુરુજી સુજાણ! હું જોઉ પેટીનું પ્રમાણ;
મારું શરીર જો માંહે ફરે, તો જાણીએ જદુપતિયો મરે.          ૨

પછે સુખે રાજ્યાસન કરું, ભાર સર્વ તમ મસ્તક ધરું.’
ગુરુ કહે : ‘હો કુંવર ગુણવંત! હવે મારું માન્યું ચંત.          ૩

શત્રુ કૃષ્ણ તે સર્વથા મૂઓ, પુત્ર! પેટીનું પરમાણું જુઓ.
બળિયા બે વસુદેવના તન, તુજ વિના કોણ કરે નિધન?’          ૪

મૂક્યાં ટોપ, કવચ, ને શસ્ર, કાછડો વાળ્યો એકે વસ્ત્ર,
શત્રુ શ્યામનો મર્મ ન લહ્યો, પુત્ર પેસવા તત્પર થયો.           ૫

દ્વાર ઉઘાડ્યું હાથે કરી, ત્યારે શિખામણ માની સાંભરી :
‘માતાએ વાક્ય કહ્યાં અનૂપ : જદુપતિયો ધરશે જૂજુઆં રૂપ.          ૬

એ શુક્રાચાર્ય મારો ગુરુ નથી, એ કપટી કૃષ્ણ આવ્યો સર્વથી :
ઉતાવળો થઈ પ્રવેશ જ કરું, એ દે તાળું, હું નિશ્ચે મરું.’          ૭

એવો ભય હૃદેમાં ધર્યો, પેટીથી પાછો ઓસર્યો.
‘ગુરુજી! કારમી દીસે છે પ્રીત, પેસતાં મારું ન માને ચિત્ત          ૮

મોહ રાખતી નવ કીજે વાત, ન હોય ગુરુ, વેરી સાક્ષાત.’
કુંવરનાં વચન એવાં સાંભળી, પડ્યા કૃષ્ણ ને મૂર્છા વળી.          ૯

જાગ્યા હરિ કરે આંસુપાત, નયણે નીર જાણે વરસાત.
નિઃશ્વાસ મૂકી બોલ્યા ગોપાળ : ‘હું અભાગી, મારું ફૂટ્યું કપાળ.          ૧૦

કર્મ કરે તે નવ કરે કોય, વહાલાં કહીએ એ વેરી હોય.’
એમ આક્રંદ કરતા દીઠા હરિ, અહિલોચને વાણી ઓચરી :          ૧૧

‘હાવાં વહાલ જાણ્યું તમ તણું, હું માટે રોયા અતિઘણું;’
કહી પેટી માંહે પગ મૂક્યોે તન, વળી માતાનાં સાંભર્યાં વચન :          ૧૨

‘રખે માયા કરી કૃષ્ણિયો રડે, બ્રહ્માને ભેદ એનો ના જડે.’
બહાર નીસર્યો અહિલોચન : ‘મુનિ! મારું નથી માનતું મન.’          ૧૩

ગુરુ કહે : ‘મુને કૃષ્ણનું પાપ, જે દુષ્ટે માર્યો તારો બાપ.
જો ન હોઉં બ્રાહ્મણ કેરી કાય, તો મુજને લાગે સ્ત્રીહત્યાય.          ૧૪

સગો મામો માર્યાનું અધર્મ, ન હોઉં ગુરુ તો લાગે કર્મ.
પરશુરામે ક્ષત્રી હણ્યા બહુ વાર, મિથ્યા બોલું તો શિર પર ભાર.          ૧૫

હવે તુને નહિ આવે વિશ્વાસ, તો મેં કરવો કંઠે પાશ.’
એહેવું કહી રોયા પરિબ્રહ્મ, અહિલોચને નહીં પ્રીછ્યો મર્મ :          ૧૬

‘અઘરી અગડ જ્યારે ગોરે કરી, હોયે ગુરુ, હોયે નહિ હરિ.’
વાહ્યો વિઠ્ઠલજીનો ગયો, મૂરખ મરવા તત્પર થયો.          ૧૭

જેમ તેતરને તેડે વાઘરી, એમ કાળે પેટી આગળ ધરી.
જેમ કોશ વિશે પેસે તરવાર, તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર.          ૧૮

જેમ સર્પને સૂંઘાડે જડી, કંડિયા માંહે ઘાલે ગારુડી;
ગોવિંદ ગારુડી, અહિલોચન સર્પ, ભેદ કીધો ભાંજવાને દર્પ.          ૧૯

જ્યાં પેટીમાં પેઠો કુમાર, ત્યાં ધાઈ હરિએ દીધું દ્વાર.
પ્રભુ કહેઃ ‘પરમાણું જુઓ, હરો-ફરો, લાંબા થઈ સૂઓ.          ૨૦

જો દ્વાર દેતાં અડકે નહીં, તો શત્રુ કૃષ્ણ મરાયે સહી.’
‘હે મારા ગુરુુજી મનભાવતા! રખે તાળું તમે સપટાવતા.’          ૨૧

કૃષ્ણ કહે : ‘ક્યમ કીજે કેર? એ વાતે વસુધા દે વેર.’
કુંવર જેમ સૂતો કડથલે, તેમ તાળું દીધું વિઠ્ઠલે.          ૨૨

વાયુ તણો તવ થયો રે રોધ, અકળાયો અંધારે જોધ.
શરીરથી ચાલ્યો પ્રસ્વેદ, નીરસવા નવ જાણ્યો ભેદ.          ૨૩

ચો દિશ ફંફોસે કુમાર, ન જડે પેટી કેરું દ્વાર.
અકળાયો બાળકનો પ્રાણ, ‘ગુરુ!’ કહી મુખ બોલ્યો વાણ :          ૨૪

‘મારા ગુરુજી! ઉઘાડો દ્વાર, જાશે જીવ જો લાગશે વાર.
શા માટે સાંભળતા નથી? જીવ જાયે મારો સર્વથી.           ૨૫

ચો દિશ લાગ્યો હુતાશંન, બહાર-ભીતર દાઝે છે તંન;
કાઢો બહાર, મન કરુણા ધરો, મેં જોયું પ્રમાણું, રિપુ મરશે ખરો.’          ૨૬

બોલ્યા હરિ : ‘કૃષ્ણ તે હું ય, ઘેલા! ગુરુ કોનેકહે છે તું ય?
મેં કીધો મોટો પરપંચ, તુને મારવાનો એ સંચ.          ૨૭

વલણ
સંચ તુજને મારવા તણો મેં કીધો હો મૂઢ રે!’
એવું કહીને ગાજિયા મુખે ગરુડારૂઢ રે.          ૨૮