અભિમન્યુ આખ્યાન/કડવું ૪૭

કડવું ૪૭
[ભીષણ યુદ્ધ ખેલીને અભિમન્યુ દુર્યોધનને હંફાવી, ભગાડી પાંચમો કોઠો જીતે છે છઠ્ઠે કોઠે જયદ્રથ દુર્યોધનને કપટ યોજવાની સલાહ આપે છે. કૌરવપક્ષના છ મહારથીઓ ટોળે મળી કપટ યોજે છેે.]


રાગ મારુ

શું કરતો અભિમન્યુ હસ્તી, જેને ભીમાદિક ઉવસ્તી
કૌરવ છે પાંચમે કોઠે, રહ્યા દાંત ડસીને હોઠે.          ૧

સણસણતાં શર બહુ છૂટે કપોલ સુભટના ફૂટે;
ગણગણતા વાગે બહુ ગોળા, ધાયે યોધનાં ટોળે ટોળાં.          ૨

ભડાભડ ગદાના ભટકા, ઝાડાઝાડ થાય ખડ્‌ગના ઝટકા;
વાધી રાડ્ય, મંડાયો ધંધ, વઢે શીશ વિના કબંધ.          ૩

રાશ રથ પડ્યા સારથિ, કોના મરણ પામ્યા મહારથી;
કોના ટોપ પડ્યા કવચ, કોનાં નાક કપાયાં ટચ.          ૪

જ્યારે અભિમન્યુ યુદ્ધે લાગ્યો ત્યારે મદ્રપતિ રણથી ભાગ્યો;
હય ખેડ્યા તે સાત્યકિ સામા, ત્યાંથી રે નાઠો અશ્વત્થામા.          ૫

કેડ બાંધી રાય વૈરાટે, વ્યૂહ કીધો દ્વાદશ વાટે;
પાંડવે જ્યારે વ્યૂહ લોપ્યો ત્યારે દુર્યોધન મન કોપ્યો.          ૬

પીતાંબરે કટિબંધ કીધી, વજ્રગદા કરમાંહે લીધી;
વાયે કર્યું વપુ વિકરાળ, પાંડવદળ ઉપર દેતો ફાળ.          ૭

રથ ઘોડા નાખ્યા ભગાવી, હસ્તીનાં દંતુશૂળ કાઢ્યાં હલાવી;
નાસે જીવ લઈ જે જેના, એમ વ્યાકુળ કીધી સેના.          ૮

ગજથી ધર્મને નાખ્યા ઢોળી, કાયા નકુળની રગદોળી;
સહદેવ પડ્યો પદપ્રહારે, ત્યારે અભિમન્યુ ભરાયો ખારે.          ૯

એક સાંગ લીધી અભિમન ત્યારે નાઠો દુર્યોધન;
કૌરવ નાઠા સાપના ભારા, વ્યૂહ કીધો તારંતારા.          ૧૦

એમ ક્રોધ અભિમન્યુએ કીધો, પ્રાક્રમે પાંચમો કોઠો લીધો;
કૌરવ ખટમે કોઠે ઠરિયા, વળી ત્યાં પાંડવ પરવરિયા.          ૧૧

રાય દુર્યોધન કળકળતો, સેના પ્રત્યે ઓચરતો :
‘ભત્રીજે માંડ્યો અનરથ’, ત્યારે બોલ્યો ત્યાં જયદ્રથ.          ૧૨

‘મારાં વચન સાંભળો નીત, જેમ થાય આપણી જીત;
આપણ કપટ કાંઈ એક કીજે, જો પાપ થકી નવ બીજે.          ૧૩

પાછી સેના સઘળી વાળું, પાંડવને આવતા ખાળું;
અભિમન્યુને તાણી લેઉં, સાતમે કોઠે આવવા નવ દેઉં.          ૧૪

એને વીંટી વળજો ખટ રથી, એને રાખનારો કો નથી;
સેના સોંપો મુજને સઘળી, પાંડવ ન શકે એને મળી.’          ૧૫

સુણી કૌરવ હરખ્યા મન, કહેતા : ‘જયદ્રથ તું ધન ધન!’
હવે ખટ રથી તે કોણ? ‘શલ્ય કર્ણ અશ્વત્થામા દ્રોણ           ૧૬

દુર્યોધન ને ભૂરિશ્રવા, ખટ રથી ટોળે હવા.          ૧૭

વલણ
ટોળે વળ્યા ખટ રથી, કૌરવ કીધું કપટ રે;
કહે સંજય : રાય સાંભળો, કેમ વઢ્યો સુભટ રે.          ૧૮