અમાસના તારા/જિંદગીની કિંમત


જિંદગીની કિંમત

અમે અરૂશાથી નૈરોબી જતા હતા. અરૂશા એ ટાંગાનિકાની ઉત્તર સરહદે આવેલું રૂપાળું નાનું શહેર છે. સુંદરતા અને હવાપાણી બંને માટે મશહૂર છે. ત્યાંથી જરાક ઉપર જઈએ એટલે કેનિયા શરૂ થાય. અરૂશા અને નૈરોબી વચ્ચે લગભગ અડધે અંતરે મસાઈઓના રહેઠાણનું ખાસ જંગલ શરૂ થાય છે. આ જંગલ વીંધીને અમે જઈશું અને રસ્તામાં મસાઈઓ જોવા મળશે એ મારું મોટું આકર્ષણ હતું. પૂર્વ આફ્રિકાની આદિ જાતિઓમાં મસાઈઓ ખમીરવંત, વીર્યવાન અને વિરલ જાતિ છે. આધુનિક સંસ્કૃતિનો આ લોકોને જરાય સ્પર્શ થયો નથી. વલ્કલનો એક ટુકડો કમ્મરે લપેટી રાખવો એ જ એમનો પહેરવેશ અને પોતાના કદ જેટલું જ ઊંચું બલ્લમ જેવું કાતિલ હથિયાર એ એમનું જંગલી પશુઓ અને સંસ્કૃત માનવી સામે બચવાનું સાધન છ ફૂટ અને એથીય ઊંચો એમનો કદાવર દેહ કોઈ શિલ્પમૂર્તિ જેવો મનોહર અને શોભાયમાન લાગે. માનવવંશવિજ્ઞાન અને ઇતિહાસની દૃષ્ટિએ એમની ગમે તે હકીકત હોય, પણ મને એ જોતાં તો આપણને ભય અને માન એકસાથે થાય એટલા આ મસાઈ અપૂર્વ દેખાય. એમને વિષે અમે સાંભળેલું કે સિંહ અને મસાઈ એ બેમાં કોણ વધારે ક્રૂર અને બળવાન એ કહેવું મુશ્કેલ. એટલે આ રંગદર્શી આદિ જાતિ માટે મારું કુતૂહલ પળે પળે વધતું જતું હતું. આ મસાઈઓને જોવા અને મળવા માટે જ અમે નૈરોબી જવાનો આ લાંબો રસ્તો પસંદ કર્યો હતો. અમારા યજમાને જંગલ શરૂ થતાં જ મોટરના દરવાજાના અને બારીઓના કાચ ચઢાવી દેવાની આજ્ઞા કરી. કારણ આ મસાઈઓનાં જંગલોમાં સિંહોની પણ એટલી જ મોટી વસ્તી હતી. અમારી પાસે માત્ર એક જ રાઈફલ હતી, અને પ્રાણના બચાવ માટે જ વાપરવાની અમને છૂટ હતી. વીસેક માઈલ સુધી અમે એ જંગલને વીંધીને આગળ નીકળ્યા હતા. મેં હિંદુસ્તાનમાં બરડા, ગિર, વિંધ્ય અને ટેહરીનાં જંગલો જોયાં હતાં. પણ આ જંગલની ભયંકરતા જોઈને આંખ ઠંડી થઈ ગઈ. સૂનકાર હતો. મધ્યાહ્ન તપતો હતો. માત્ર અમારી મોટરનો અવાજ સંભળાતો હતો. એટલામાં અમે જિરાફના એક મોટા ટોળાને સડકની એક બાજુએથી બીજી બાજુ નાસતું જોયું. ઇસ્માઈલે કહ્યું: ‘આ જિરાફની પાછળ સિંહ પડ્યો હોવો જોઈએ, નહીં તો જિરાફ નાસે નહીં.’ અને અમારા ભય અને આશ્ચર્ય વચ્ચે સિંહ તાડૂક્યો. પણ આ જિરાફની જેમ સિંહ પણ દોડતો હતો. એક જુવાન મસાઈ બલ્લમ લઈને એની પાછળ પડ્યો હતો. અંતર જરાયે વધે તે પહેલાં મસાઈએ બલ્લમ સિંહ તરફ તાકીને ફેંક્યું. અમારી મોટર થોડી વધુ પાસે સરકી, સિંહ જરા લથડ્યો ત્યાં તો તોડીને પેલા ભયંકર મસાઈએ પોતાના હાથની કટારથી સિંહનું મોઢું ભરી લીધું. મરણિયો સિંહ કૂદ્યો. એને ચુકાવીને મસાઈએ પોતાનું બલ્લમ લઈને એના પેટમાં હુલાવી દીધું અને લોહીવાળી કટાર ખેંચી બીજી વાર એના ગળામાં પરોવી દીધી. આઠ-દસ મસાઈઓ પોતાના હથિયાર સાથે આ વિકરાળ યુદ્ધ જોતા રહ્યાં પણ વચ્ચે ન પડ્યા. સિંહ મર્યાની ખાતરી થઈ ત્યારે બાકીના મસાઈઓએ પેલા જુવાનને ઊંચકીને નાચવા માંડ્યું. કંઈક ગાવા માંડ્યું. ઇસ્માઇલે મોટરનું બારણું ખોલીને બહાર નીકળી પડ્યો. સ્વાહીલી ભાષાનો તો એ કસબી હતો. એમાંથી એક મસાઈએ કહ્યું: ‘હવે એ જુવાને મારી દીકરીને પરણવાનો અધિકાર મેળવ્યો છે. અમારી જાતિમાં જ્યાં સુધી કુંવારો મસાઈ બે સિંહને પોતાના હથિયારથી મારે નહિ ત્યાં સુધી એને પરણવાનો અધિકાર નથી મળતો.’

ઇસ્માઈલે આ વાત મને કહી. જિંદગી માટે મોતને ભેટનાર આ મસાઈઓને જોઈને, મૃત્યુના ભયથી જિંદગી ખોઈ બેસનાર આપણા ભાઈઓ મને સાંભરી આવ્યા. જંગલની ભયાનકતા ઓછી થઈ ગઈ પણ મારા અંતરમાં સૂનકાર છવાઈ ગયો.