અમાસના તારા/સ્વ. ફૈયાઝખાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 38: Line 38:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સત્માર્ગના પ્રવાસી
|previous = મસ્ત શિલ્પી
|next = કલાકારની દિલાવરી
|next = કેરોસીન અને અત્તર
}}
}}

Latest revision as of 07:50, 25 March 2024


સ્વ. ફૈયાઝખાં
બેમાંથી એક

ઘણાં વર્ષોની વાત છે. વર્ષ પણ સાંભરતું નથી. યાદ છે માત્ર ઋતુ. કારણ કે એનું વાતાવરણ સ્મૃતિમાં સજીવન છે. શ્રી કૃષ્ણમૂર્તિ વડોદરામાં આવ્યા હતા. જ્યારે કોઈ જાણીતી મહાન વ્યક્તિ વડોદરામાં આવે ત્યારે એમનું વ્યાખ્યાન ઘણુંખરું સાંજે જ રખાતું અને સ્થળ પણ ન્યાયમંદિર કે વડોદરા કૉલેજનો હૉલ પસંદ થતું. પરંતુ કૃષ્ણજીને માટે સમય અને સ્થળ બંને બદલાયાં હતાં. સમય સવારે આઠ કે સાડાઆઠનો હતો અને સ્થળ તરીકે કમાટીબાગમાં સફેદ બંગલા આગળની વૃક્ષોની ઘટા પસંદ કરવામાં આવી હતી. સ્વ. મહારાજા સયાજીરાવે સ્વેચ્છાથી એ સભાનું પ્રમુખપદ સ્વીકાર્યું હતું. જે સભા ભરાઈ હતી તે સ્થળને સાદાઈથી પણ કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. પરંતુ શોભા અને રોનક તો વાતાવરણમાંથી ઊઠતાં હતાં. વૃક્ષો નવપલ્લવિત થયાં હતાં. વેલીઓ પાંગરતી હતી અને કુસુમો નવજીવનથી હસતાં હતાં. વસંતઋતુની વૃક્ષરાજિ મહેકી ઊઠી હતી. નિસર્ગના આવા તાજગીભર્યા સુગંધિત વાતાવરણમાં સભા પૂરી થઈ. વ્યાખ્યાન અને વાતાવરણ બંનેની અસરથી મુગ્ધ થયેલા શ્રોતાઓ અંદર અંદર વાતો કરતા હતા. ત્યાં કૃષ્ણજીની સાથે આવેલાં ભાઈબહેનોમાંથી એક જણે એક વડોદરાવાસીને પૂછ્યું: ‘વડોદરામાં જાણવા જેવી જાણીતી વ્યક્તિઓ કોણ કોણ છે?’ પેલી વિલક્ષણ વ્યક્તિએ ઉત્તર વાળ્યો: ‘એક સયાજીરાવને તો તમે જોયા. બીજા છે ઉસ્તાદ ફૈયાઝખાં. વડોદરામાં આ જ બે વ્યક્તિઓ મળવા જેવી મહાન છે.’

સયાજીરાવ મહારાજે એ સભાના પ્રમુખપદેથી જીવનસ્પર્શી અને સૌંદર્યસ્પર્શી ભાષણ કર્યું હતું. તેનાથી કૃષ્ણજી અને એમની મંડળી બહુ જ પ્રભાવિત થયેલાં. પરંતુ તે રાત્રે રાજમહેલમાં ફૈયાઝખાંનું સંગીત સાંભળીને એ લોકો મુગ્ધ અને મસ્ત થયાં હતાં. સવારે એમનું મન મરક્યું હતું. રાતે એમનું હૃદય રંગાયું. વર્ષોની આ યાદ આજે ઉસ્તાદ ફૈયાઝખાંની ગેરહાજરીમાં પહેલી બેઠી થાય છે. આજે મળવા અને માણવા જેવા બંને મહાન પુરુષો વિના વડોદરા ઘણું ગરીબ લાગે છે.

આફતાબનો ઉદય

જિંદગીમાં મહેફિલો તો ઘણી જોઈ છે. અખ્તરી ફૈજાબાદી, ઇદન મુરવ્વતી, જમિલા કાનપુર, મહેબુબજાન સોલાપુર, દિલશાદ સહરાનપુર, અસ્મત મુરાદાબાદી એ સમશાદ બેગમની ગઝલકવાલી અદાની મસ્તી સાથે સાંભળી છે. સિદ્ધેશ્વરી, વિદ્યાધરી, શૈલકુમારી, અંજની, મેનકા, રોશનઆરા, કેસરબાઈ, રાજેશ્વરી, મીરાંબાઈ વાડકર, સુશીલા ટેમ્બે, લક્ષ્મીબાઈ અને હીરાબાઈ બડોદેકરની જુદાં જુદાં ઘરાણાંની અનોખી તમીજ અને તાજગીભરી ગાયકીનો પણ લહાવો મળ્યો છે. ઉસ્તાદ ફૈયાઝખાં, વિલાયતહુસેન, મહમદખાં, પંડિત ઓમકારનાથ, ખરેજી, જોશી, માસ્તર કૃષ્ણા, દિલાવરહુસેન વગેરે ગવૈયાઓને પણ સાંભળ્યાં છે. પરંતુ એક મહેફિલ મારા મુગ્ધ અંતરમાં એવી કોરાઈ ગઈ છે કે આજે પણ એની સ્મૃતિ ખ્વાબની ખુશનુમા હવા પેદા કરે છે. લગભગ પચીસ- સત્તાવીસ વર્ષની વાત છે. વડોદરામાં પાણી દરવાજા બહાર એક કબરની પાસે મહેફિલ જામી હતી. શમિયાનો હતો. યાદ તો એવી છે કે વડોદરાના સંગીતવિધાયક પ્રો. મૌલાબક્ષની મૃત્યુતિથિ હતી. વડોદરા એ વખતે સંગીતકલાના ઉપાસકોથી પોતાના ગૌરવનું અજવાળું વેરતું હતું. એટલે વડોદરાના જાણીતા ગવૈયાઓ અને ગાનારીઓ ઉપરાંત હિંદમાંથી પણ ખ્યાતનામ ગાનારાઓ આવ્યા હતા. રાત્રે દસેક વાગે શરૂ થયેલી એ મહેફિલ સવારે છ વાગે પણ માંડ પૂરી થઈ હતી. એ મજલિસમાં બહારના માણસો તો ઘણા ઓછા હતા. કલાકારોની જ મોટી સંખ્યા હતી. મહેફિલનો આત્મા એ મૌલાબક્ષ તરફની સદ્ભાવના હતી. એટલે દરેક કલાકારના અર્પણમાં પોતાનું શ્રેષ્ઠ સત્ત્વ પ્રગટ કરવાની શુદ્ધ અભીપ્સાનો રણકાર હતો. એ રાત્રે પહેલી વાર જીવનમાં ઉસ્તાદ ફૈયાઝખાંને જોયા અને સાંભળ્યા. દરબારીના આલાપથી એમણે મહેફિલ શરૂ કરી હતી. ત્યારે એમને પૂરાં ચાળીસ વરસ પણ ભાગ્યે જ થયાં હશે. સુરમાથી આંજેલી આંખોમાં નરી મસ્તી મરકતી હતી. રૂપ મઢ્યા ને નકશીદાર ચહેરા પર પૌરુષની દીપ્તિ હતી. તમીજના અત્તરથી આખું અસ્તિત્વ મહેકતું હતું. મેં સાંભળ્યું હતું કે એમની પાછળ ઘણી ગાનારીઓ ગાંડી હતી અને ગાનારી સ્ત્રી હોય તો ગાંડી જ થાય એવો રંગદર્શી અને મનોરમ એ આદમી હતો. ખાંસાહેબે દરબારીનો આલાપ લઈને એના રંગીલા ઘરાણાની ગાયકીને એવા ઉચ્ચ ધોરણના ક્યારામાં સહજ રીતે રોપી કે પાછળના જે ગાનારાઓ એ ધોરણને ના પહોંચી શક્યા, તે ઝાંખા પડ્યા અને ક્યારાની પાસે જઈ શક્યા તેમણે ખુદાનો પાડ માન્યો. ખાંસાહેબે ભૈરવીથી એ મહેફિલની પૂર્ણાહુતિ કરી, ત્યારે વાતાવરણમાં ગમનું મૌન પથરાઈ ગયું, પણ વેદનાશીલ હૈયાને જોઈતી હૂંફ પણ મળી ગઈ. ઘણા ગવૈયા ખાંસાહેબને ભેટી પડ્યા, ઘણી ગાનારીઓએ માનનો મુજરો કર્યો. મારા ગભરુ અંતરની સંવેદના એવી હતી કે વડોદરાના આકાશમાં સંગીતનો સૂરજ ઉદય પામ્યો હતો. ‘આફતાબે મૌસુકી’નું સન્માન એમને ત્યાર પછી મળ્યું પણ હતું.

કીમિયાગર

સ્વ. મહારાજા સયાજીરાવના જન્મોત્સવનું સપ્તાહ ચાલતું હતું. એ વાતને પંદરસત્તર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. એક સાંજે મોતીબાગના મેદાનમાં ઉપવનસંમેલન હતું ત્યાં મહેમાનોના મનોરંજન માટે વિવિધ વ્યવસ્થા હતી. પોપટના ખેલોથી માંડીને ઈદનજાનના સંગીત જલસાના શમિયાના બંધાયા હતા. ગઝલકવાલી એની વખણાતી પણ ખ્યાલની ગાયકી પણ એની જાણતી હતી. અમે એ શમિયાનામાં ઊભા હતા. અડધોએક કલાક ગયો પણ મજલિસ જામતી નહોતી. એટલામાં સયાજીરાવ મહારાજ પોતે પોતાના બેચાર ખાસ મહેમાનો સાથે આવી પહોંચ્યા. સાજિન્દાઓ સાવધાન થઈ ગયા. ઈદન પોતે પણ જરા ચોંકીને સરખી થઈ ગઈ. આલાપ કરીને એણે વિલંબિતમાં ભીમપલાસી છેડી. રૂપ જુવાની અને કંઠનો એનામાં ત્રિવેણીસંગમ હતો. આ અપૂર્વતાથી એ અજ્ઞાન નહોતી. એટલે એના રસીલા અને રંગભર્યા ચિત્તવનમાં એની ખુમારી કોઈ કૌતુકપ્રિય પુરુષનું સપનું બની જાય એટલી બલવાન હતી.

પરંતુ ગાનારીના કંઠની રોનક જામતી નહોતી. એટલામાં ઉસ્તાદ ફૈયાઝખાં એ શમિયાનામાં આવ્યા. કોઈની શોધમાં નીકળેલી ઈદનની નજરે ખાંસાહેબની આંખોમાં આશરો લીધો. કંઠમાં જાણે નવાં નવાણ ફૂટ્યાં. ભીમપલાસી લહેરી ઊઠી. ખાંસાહેબના ‘વાહવાહ, શાબાશ’ની કદરદાનીને ઈદને મુજરો કર્યો અને આખા સંગીતનો મિજાજ ફરી ગયો. નવી ફિરત ઊઠી, ઊંડું દર્દ જાગ્યું, આરતે અકળાઈને પોકાર કર્યો અને મહેફિલની હવા બંધાઈ ગઈ. ઈદનનો મુજરો લઈને મહારાજાની દૃષ્ટિ ફૈયાઝખાં પર પડી ત્યારે ખાંસાહેબે ઝૂકીને સલામ કરી. એમના ખભા ઉપર પોતાનો હાથ મૂકીને શાબાશીનું ઇનામ આપીને મહારાજા ચાલ્યા ગયા. મારી બાજુમાં કર્નલ શિવરાજસિંહ ઊભા હતા. બોલી ઊઠ્યા: ‘ઉસ્તાદ કીમિયાગર હૈ.’

મહેમાનનવાજ

શ્રી નંદલાલ બોઝ શાંતિનિકેતનથી પાંચસાત વર્ષ પહેલાં વડોદરામાં કીર્તિમંદિરમાં ભીંતચિત્રો કરવા માટે આવ્યા હતા. સાથે એમનું શિષ્યવૃંદ હતું. નંદબાબુને ઉસ્તાદ ફૈયાઝખાંને સાંભળવાની ઇચ્છા થઈ. એમણે ડૉ. અલીને કહેણ મોકલ્યું. અલી અને હું બન્ને ખાંસાહેબને મળ્યા. નંદબાબુની ઇચ્છા હતી કે એમને સાંભળવા ખાંસાહેબને ઘેર જ જવું. અમે એમને એ રીતની વિનંતી કરી, પણ ઉસ્તાદ માને નહીં. એમની તબિયત એવી હતી કે નંદબાબુ જ્યાં ઊતર્યા છે ત્યાં જઈને એમને સંગીત સંભળાવવું. નંદબાબુ રહ્યા કલાકાર. એ કહે કે આટલા મોટા મહાન સંગીતકારને આપણી ઝૂંપડીમાં કેમ બોલાવાય. એ અવિનય છે. આપણે જ એમને ત્યાં જવું જોઈએ. ખાંસાહેબ એકના બે ના થયા. એ કહે મહેમાન ઉપરાંત નંદબાબુ તો મોટા કલાકાર રહ્યા. એમના જેવા મહાપુરુષને આપણે ઘેર સંગીત સાંભળવા આવવું પડે એમાં મારી અપકીર્તિ છે. હું સામે ચાલીને એમને ત્યાં જઈને એમને સંભળાવું એમાં જ મારી શોભા. અમને લાગ્યું કે જો બંને કલાકારો આમ જ કર્યા કરશે તો સંગીત સાંભળવાનું જ નહિ બને. ડૉ. અલી અને મેં ખાંસાહેબને સમજાવ્યા. બહુ સમજાવ્યા ત્યારે માંડ એ માન્યા. અમે સૌ એમને ત્યાં જ ગયા. તે રાત મને બરાબર યાદ છે. શેતરંજી ઉપર સફેદ ચાદરની બિછાયત હતી અને બિછાયત ઉપર મોગરાનાં ફૂલનો ઢગલો પડ્યો હતો. ખાંસાહેબ ખુશમિજાજ હતા. તે રાતે મેં એમની પાસેથી પરજ, ભટિયા અને બાગેસરી તદ્દન અભિનવ રીતે સાંભળ્યા. આ રાગો મેં પહેલાં પણ એમની પાસેથી સાંભળ્યા હતા. પરંતુ એ વખતે એમણે જે કલા-લીલા બતાવી તેનો ઠાઠ જ જુદો હતો. એ કસબને ઇનાયતખાંના સિતારની મીંડ સાથે સરખાવી શકાય. પોતાના અદ્ભુત કંઠમાંથી ખાંસાહેબ સૂરની જે મીંડ કાઢતા એ કલા તો એમની પોતાની આગવી સિદ્ધિ હતી અને એ એમની સાથે ચાલી ગઈ.

સંવેદનાનો શિલ્પી

એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયો, વડોદરાના સ્ટેશન ડિરેક્ટર શ્રી પરાશરની યોજનાથી એવું ઠર્યું કે ખાંસાહેબ મલ્હારનાં ચારે સ્વરૂપો ગાય. દરેક સ્વરૂપનું વાતાવરણ પણ સરજવામાં આવે અને સાથે સાથે એ સ્વરૂપોનાં સૌંદર્ય અને સંવેદનાનો મર્મ પ્રગટ કરતી એક દોડતી વિવેચના થતી જાય. વડોદરા રેડિયોના કલાકારોનું ઑરકેસ્ટ્રા ખાંસાહેબના સૂરની પાછળ પાછળ ચાલે. મલ્હારનાં ચારે સ્વરૂપ વિષે વિવેચનો કરવાનું મારે ભાગે આવ્યું એટલે ખાંસાહેબની સાથે મલ્હારનાં એ ચારે સ્વરૂપો વિષે બહુ જ રસભરી ચર્ચા થઈ. ખાંસાહેબે તો દિલ ખોલીને મલ્હાર રાગની શક્તિ અને અસર વિષે ઘણી રોમાંચક વાતો કહી, અને જુદાં જુદાં સ્વરૂપની તરજો ગાઈને એના વાતાવરણની હવા બાંધી આપી. મલ્હારનાં ચાર સ્વરૂપો સાંભળીને અંતર ભરાઈ ગયું. જે રાતે એમણે ગાયું તે રાત વર્ષાઋતુની હતી. હું ભૂલતો ન હોઉં તો શ્રાવણનો મહિનો હતો.

મેઘમલ્હારની સૂરાવલી હૃદયના ધબકારા સાથે તાલ દેતી દેતી નીકળી. પાવસઋતુમાં દુલ્હનના અંતરમાં પ્રિયતમની યાદ જાગી. પણ પ્રિય તો ઘેર નથી. મેઘ ગરજે છે. કાળી ઘનઘટાઓ બિહામણી બનીને ચઢી આવી છે. રેન અંધારી છે. વીજળી લપકારા મારે છે, પણ પ્રિયતમની યાદ વધારે ને વધારે વિહ્વળ કરી મૂકે છે. હૈયું પિય પિય ઝંખે છે. મિલનની આતુરતા અકળાવી મૂકે છે. પ્રાણ બહાવરો બની જાય છે. દુલ્હન આવી કાળી રાતે પણ પિયમિલનનો નિશ્ચય કરે છે.

અને સૂરાવલિ પલટો લે છે. મિયાંમલ્હારના તલસાટભર્યા વિવશ સૂરોથી દુલ્હનના અંતરમાં માત્ર એક જ કામના ચક્રવર્તી બની રહે છે. પિયમિલન. એણે નિશ્ચય તો કર્યો પ્રિયતમને મળવાનો, પરંતુ વીજળીના ચમકારાના પ્રકાશમાં કાળી દેખાતી વાદળીઓ ચોધાર આંસુએ રડતી હોય તેમ ગરજી ગરજીને મેહ વરસે છે. આ મુશળધાર વરસાદમાં, કારમા અંધકારમાં અને મધરાતના સૂનકારમાં હૈયું પિયમિલનને માટે વધારે ને વધારે તલસે છે. ત્યાં તો સૂનકાર અને શાંતિ વીંધીને પપૈયા પિયુ પિયુની રટ લગાવે છે અને તલસાટ અસહ્યા થતાં દુલ્હન નીકળે છે પ્રિયતમને મળવા.

સૂરમલ્હારના સૂરોનો ફુવારો ઊડે છે. મેહ વરસી રહ્યો છે. ક્યારેક મુશળધાર પડે છે, ક્યારેક ઝરમર ઝરમર વરસે છે. ઈશાન ખૂણામાં વારંવાર વીજળી ઝબૂકે છે. પરંતુ કોઈનો ખ્યાલ કર્યા વિના, કોઈથી ડર્યા વિના દુલ્હન તો ચાલી જાય છે પ્રિયતમને મળવા. એના હૈયામાં એક જ ઝંખના છે, એના અંતરમાં એક જ આતુરતા છે અને તે પોતાના અંતરદેવતામાં સમાઈ જવાની. આલિંગનની આ ઉત્સુકતા એને બળ આપે છે. ત્યાં તો આશાની યાદ આપતી કોયલ બોલે છે. પપૈયો સાથ આપે છે. દુલ્હનની છાતી ધડકે છે, બેચેની પીડે છે અને એ આગળ ચાલે છે. એક જ ધૂન છે, એક જ ધ્યેય છે પ્રિયતમ મિલનનું.

‘બલમા બહાર આઈ’ બોલતી ગૌડમલ્હારની સૂરાવલિ ઊછળે છે. વરસાદ થંભી ગયો છે. વાદળાં વીખરાઈ ગયાં છે. અંધકાર ઓછો થયો છે. અંધારાના સાથી બેપાંચ તારાઓ પણ બહાર નીકળ્યા છે. દુલ્હનના અંતરમાં ત્યાં આશાનો સંપૂર્ણ ઉદય થયો છે કે હવે પ્રિયતમને મળી લેવાશે, આતુરતા શમશે, પ્રાણની બેબસી ઓસરી જશે, મન જંપશે અને મિલનની શય્યા ઉપર અંતરાત્મા સ્વર્ગ અનુભવશે. ત્યાં તો કોયલ ટહુકે છે, મયૂર ગહેંકે છે, પપૈયા બોલે છે અને સામેથી પ્રિયતમ આવે છે. દુલ્હનને પોતાનો બાલમ મળે છે. એનું હૈયું ઊછળી પડે છે. પાવસની આ બહારમાં પિયા અને પ્રિયતમનું અદ્ભુત મિલન થાય છે. ગૌડમલ્હારના સૂરોની હૂંફમાં બન્ને આનંદની મૂર્છા પામે છે.

મલ્હારનાં ચારે સ્વરૂપો ફૈયાઝખાંએ ગાઈને પોતાના અંતરને તો સંવેદનાની ભરતીઓટથી ઝબકોળ્યું, પણ મારા અંતરજગતમાં પણ મલ્હાર છલકાવી દીધો. સંવેદનાના આ શિલ્પીને હું નમવા જતો હતો ત્યાં એમણે મને ઉઠાડીને છાતીસરસો ચાંપી દીધો.