અમાસના તારા/કેરોસીન અને અત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેરોસીન અને અત્તર

એક શિયાળાની રવિવારની સવારે હું અને ડૉ. અલી એમને ત્યાં સ્વ. રવીન્દ્રનાથ ટાગોરનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડો વગાડવા બેઠા હતા. ડૉ. અલીને માટે કોઈ એક વિશેષણ વાપરીને એમને વિષે સમગ્ર ભાવ પ્રકટ કરવો મુશ્કેલ છે, કારણ એમનામાં કેટલાક સંવાદી ભાવોનું જેમ સુભગ મિશ્રણ હતું તેમ કેટલાક પરસ્પર વિરોધી ભાવોનું પણ વિચિત્ર મિલન હતું. ગુલાબી સ્વભાવ અને તેજ મિજાજ, બહુરૂપી મેધા અને બાલસહજ નિર્દોષતા, બહુશ્રુત ભાષાશાસ્ત્રી અને સંગીતના ગજબના આશક, તેજસ્વી વ્યાખ્યાનશિલ્પી અને મૌનના અજબ શોખીન, નામેજાતે મુસલમાન અને દેખાવે તથા રીતભાતે હિંદુ, તુલનાત્મક ધર્મોના અધ્યાપક અને પોતે કોઈ ધર્મમાં નહિ માનનારા, વ્યક્તિત્વે મીઠા પણ લાંબો વખત સહન ન થઈ શકે એવા વિલક્ષણ, પુરુષો કરતાં બાળકો અને સ્ત્રીઓને સહજ મિત્ર ડૉ. અલી પણ કોઈ ચીજ હતા. ક્યારેક તમે ગમગીન હો તો તમને ખુશી કરે અને ક્યારેક વળી ગમગીની વધારી મૂકે. તમે આનંદિત હો તો તમારો આનંદ ક્યારેક અનેક ગણો વધારી દે અને ક્યારેક વળી તમને દુ:ખી દુ:ખી કરી નાંખે એવા જિંદગીના જાણકાર અને માણનાર એ માણસ રમૂજ અને મશ્કરીના પણ ભંડાર હતા.

ટાગોરનાં ગીતો ચાલતાં હતાં, એની ઉપર અલીની દોડતી રસિક વિવેચના ચાલતી હતી ત્યાં એમણે એક નવી શોધનો કીમિયો કહ્યો. રવીન્દ્રનાથની એક ચોપડી કોઈ ‘વિજયા’ને અર્પણ છે. અલીએ કહ્યું: ‘રવીન્દ્રનાથના જીવનમાં વિજયા નામની કોઈ સ્ત્રી અસ્તિત્વ ધરાવતી હોય એમ નથી. પણ મેં ડોસાની પ્રીતિની એ કૂણી લાગણી શોધી કાઢી છે. રવીન્દ્રનાથ જ્યારે દક્ષિણ અમેરિકા ગયા હતા ત્યારે બ્રાઝિલની જાણીતી સાહિત્યકાર વિક્ટોરિયા એમની મિત્ર બની હતી એ વાત જાણીતી છે. એ વિક્ટોરિયા એ જ એ પુસ્તકનું અર્પણ સ્વીકારનારી વિજયા છે.’ અને એના ઉપર પછી અલીની વાગ્ધારા ચાલી. એટલામાં બહારથી કોઈએ બારણા ઉપર ટકોરા માર્યા. રવિવારે અલી કોઈને કામ માટે મુલાકાત આપતા નહીં અને કામ માટે બહાર જતા નહીં. એટલે ટકોરા સાંભળીને ત્યાંથી જ તાડૂકી ઊઠ્યાં-Who is there to-day? અને સામેથી જવાબ મળવાને બદલે ફરીથી ટકોરા પડ્યા. અલીએ બારણું ઉઘાડ્યું એટલે તરત પેલા બે જણાએ કહ્યું: ‘અમે કેરોસીન ઇન્સ્પેક્ટરો છીએ.’ આ સાંભળીને અલીના મોઢા પરનો ગુસ્સાનો ભાવ બદલાઈ ગયો અને એને બદલે એકદમ આતિથ્યની લાગણી ધસી આવી. આવકાર આપીને બંનેને અંદર લઈ આવ્યા અને કોઈ સ્ત્રીની સાથે કરે એના કરતાંય વધારે મીઠાશથી વાતચીત કરી મહિને એક ગેલન વધારે કેરોસીન મેળવ્યું. બદલામાં પેલા ઇન્સ્પેક્ટરોને ચા પિવડાવી અને વિદાય કર્યા.

અલીનું આ રૂપાંતર અને એની કેરોસીન માટેની આ આસક્તિ બધું મારે માટે નવીન હતું. એટલે મેં પૂછ્યું કે આ નાટક શાનું કર્યું? એના જવાબમાં મારો હાથ પકડીને પોતાના સૂવાના ઓરડામાં લઈ ગયા અને ધીરેથી પલંગની નીચેથી શેતરંજી ઊંચકીને સંતાડી રાખેલા કેરોસીનના બે ડબ્બા દેખાડ્યા અને કહ્યું કે હમણાં જાપાન કૂદકે ને ભૂસકે આગળ વધે છે. થોડા વખતમાં કદાચ કેરોસીન આવવું બંધ થાય. વળી જાપાન બૉમ્બમારો કરે એ ભયથી રાતે વીજળી આપવાનું બંધ થયું છે. એક તો હું રાતે અગિયાર વાગે જમનાર અને પછી રાતે બે ત્રણ વાગ્યા સુધી વાંચીને સૂઈ જનારો માણસ એટલે અંધારામાં તો હું મરી જાઉં. માટે કેરોસીન એ એક જ મારો પ્રાણ છે. એટલે કેરોસીનની કિંમત મારે મન ઘી કરતાં વધારે છે. માટે તો પેલા બે ઇન્સ્પેક્ટરોની આગતાસ્વાગતા કરી અને પછી તો કેરોસીન ઉપર એક મુખતેસરનું ભાષણ આપ્યું.

એટલામાં બારણે બીજી વાર ટકોરા પડ્યા. અલી પાછા ગુસ્સે થયા અને બરાડી ઊઠ્યા: Who is there to-day? જવાબમાં પાછા ટકોરા જ. એટલે વધારે ચિડાઈને બોલ્યા: ‘સાલા, આ દેશના માણસો પણ ગજબના જંગલી છે. બોલતા શું ચૂક આવે છે?’ અને જઈને બારણું ઉઘાડ્યું તો એક અત્તરવાળો ઝૂકીને સલામ ભરી રહ્યો: ‘સાહેબ, કુછ અત્તર લો! લખનૌ ઔર બિજનોર કી ખાસ બની હુઈ કોઈ ખાસી ચીજ હૈ!’ અને અલી તાડૂકી ઊઠ્યા: ‘યહ અત્તર બેચનેકા જમાના હૈ? તુમકો માલૂમ હૈ કિ અભી કેરોસીન કા રેશન હૈ? અત્તર લે કે આયે હૈ બડે આદમી! કેરોસીન હૈ?’ પેલો બુઢ્ઢો અત્તરવાળો તો અવાક્ જેવો બની ગયો. કોઈની પાસે અત્તરના શોખીન તરીકે ડૉ. અલીનું નામ સાંભળીને આવ્યો હશે. અલીએ ધડાક દઈને બારણું બંધ કરી દીધું અને ખુરશી પર બેસતાં બેસતાં હસી પડ્યા. ત્યાર પછી ડૉ. અલીએ એક ડબ્બો કેરોસીન બાવીસ રૂપિયા કાળા- બજારમાંથી ખરીદ્યું હતું. પછી તો જાપાન તૂટી પડ્યું. રાતે વીજળી અપાવા માંડી અને અલીના કેરોસીનના વધારાના બે ડબ્બા પડી રહ્યા. પણ છેક છેવટ સુધી એ બે ડબ્બા એમણે જીવની જેમ સાચવ્યા અને જ્યારે કલકત્તા જવા વિદાય થયા ત્યારે અમને બંને મિત્રોને એક એક કેરોસીનનો ડબ્બો હેતથી ભેટ આપતા ગયા.