અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/જ્યારે પ્રણયની…


જ્યારે પ્રણયની…

`આદિલ' મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.