અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમને ગુરુ મળ્યા છે ગરવા
Revision as of 10:27, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અમને ગુરુ મળ્યા છે ગરવા — એના શબદ ગયા સોંસરવા : {{space}}અમને ગુરુ મળ્...")
અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરુ મળ્યા છે ગરવા.
આભ અવાકની વાણ સુણાવી,
ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
ઝીલી થયા અમે નરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
(સુરતા, પૃ. ૧૩)