અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અંબાલાલ `ડાયર'/લૂંટાયા!


લૂંટાયા

અંબાલાલ `ડાયર'

સમયના કાફલા સાથે રહીને શ્વાસ લૂંટાયા,
સિતારાઓ કરી આકાશથી સહવાસ લૂંટાયા!

         ધરા મસ્તક ધુણવીને કરી દે છે ચૂરેચૂરા,
         ગિરિવર પણ કરીને કાળનો ઉપહાસ લૂંટાયા!

સલામત તેજના તણખા હતા ઘનઘોર અંધારે,
પરંતુ ભ્રમના જાળામાં કરી અજવાસ લૂંટાયા!

         ઉઘાડાં દ્વાર રાખ્યાં તો જરા પણ આંચ ન આવી.
         કર્યો દરવાન પર વિશ્વાસ ત્યારે ખાસ લૂંટાયા!

હકીકતની મઢૂલીથી મળ્યાં મોતી મહામૂલાં,
મહલમાં કલ્પનાઓના કરીને વાસ લૂંટાયા!

         વસાવ્યો દૂર તણખાથી એ માળા પર પડી વીજળી,
         બચ્યા જો એક બાજુથી તો ચારે પાસ લૂંટાયા!

પરાજિત થૈને વાદળથી વદન ઢાંકી દીધું સૂર્યે,
ચઢાવી સત્યને ફાંસી ઉપર ઇતિહાસ લૂંટાયા!

         સમજદારી, ખબરદારી ને હુશિયારી હતી કિન્તુ;
         નવાઈ છે કે લૂંટવાનો કરી અભ્યાસ લૂંટાયા!

હૃદય પર એટલે તો રંજની રેખા પડી ગઈ છે,
જમાના પર કરીને આંધળો વિશ્વાસ લૂંટાયા!

(નજાકત, ૧૯૮૮, પૃ. ૭૫)