અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનુ દેસાઈ/છોગાળો છેલ (મેં તો દીઠો' તો)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


છોગાળો છેલ (મેં તો દીઠો' તો)

મીનુ દેસાઈ

મેં તો દીઠો’તો એક, સખી
         છોગાળો છેલ :
એને ફૂમત઼ડે બાંધ્યાં’તાં
         મોર અને ઢેલ… મેં તો.

હોઠે હતી મોરલી ને આંખોમાં ઘેન હતું,
સામે નાનાં ઝરણાંનું ધીમું ધીમું વ્હેન હતું :
સ્વરના અનેકરંગી કરતો’તો ખેલ! … મેં તો.

ઝાંઝર ઠમક્યાં ને એણે મીટ માંડી પ્યારની,
એમાં બેઠી’તી તરસ વર્ષાની ધારની,
સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો.