અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/ખાલી શકુંતલાની આંગળી


ખાલી શકુંતલાની આંગળી

અનિલ જોશી

કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી.

ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતાં પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઊઠતો ઉમંગ, મને આવીને કોઈ ગયું સાંભળી
કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મંન ભરી ગાતો
કાંઈ એવું તો વંન ભરી ગાતો,
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર! ક્યાંક કાગડો થઈ ન જાય રાતો
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી
કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી.
(બરફનાં પંખી, પૃ. ૩૧)