અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/સ્વપ્નનગરની શેરીમાં


સ્વપ્નનગરની શેરીમાં

ઇન્દુલાલ ગાંધી

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી
ના ગીત હતું, નહોતી બંસી, તોય ઘર ઘર ભમવા આવી ’તી.
         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.
         હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
         ત્યાં તારક દીપક થૈ ટમક્યા.

એક એક હૃદયમાં માધવનું મંદિર સરજવા આવી ’તી.

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.
         જ્યાં પડી પાનીઓ મસ્તાની
         ત્યાં હસી ધૂળ રસ્તાની,
ઉજ્જડ રણમાં એ પીયૂષ વાદળી થઈ વરસવા આવી ’તી.

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.

(પલ્લવી, ૧૯૫૩, પૃ. ૩૮)