અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઈશ્વર સુથાર ‘શિલ્પી’/પૂછવાનું થાય છે...

પૂછવાનું થાય છે...

ઈશ્વર સુથાર ‘શિલ્પી’

પૂછવાનું મન થતું પગ આટલું,
ક્યાં જવા ઉતાવળું ડગ આટલું!

પાંખ છે નાની અને નાજુક પણ
ભાવનું વિશાળ છે જગ આટલું?

મોજનો દરિયો છલોછલ આંખમાં
જીવતરનું વ્હાણ ડગમગ આટલું!

પાનખરમાં શું વસંતોને થતું!
હાલ વિશે પૂછને ખગ આટલું!

ધૂંધવતા હોય અંદર શું કહે!
ગૂંચવાતા વહાર લગભગ આટલું!

આંખમાં ‘શિલ્પી’ કશું કૈ ખૂંચતું
પીગળો ને ઓળખી રગ આટલું!