અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૨. મૃત્યુ માંડે મીટ


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૨. મૃત્યુ માંડે મીટ

ઉમાશંકર જોશી

મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી.
પુનર્જન્મનું પુણ્ય પરોઢ હવે તો ફૂટશે,
દિવ્ય ઉષાની પુનિત પીરોજી પાંખ પસરશે.
રચતું એવા તર્ક કૈંક હૈયું ઉલ્લાસે.
હશે જવાનું અન્ય પંથ કો નવા પ્રવાસે.
ફરી સફરઆનંદ તણી ઊડશે વળી છોળો.
વિચારી એવું મૃત્યુદંશ કરું શે મોળો?
શાને ભીષણ મૃત્યુમુખે અર્પવી કોમલતા?
વિદ્યુદ્વલ્લી હોય કથવી શાને પુષ્પ-લતા?
આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,
નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.
વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.

વીરમગામ, ૩-૬-૧૯૩૦