અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ફોન


ફોન

ઉષા ઉપાધ્યાય

ગઈ કાલે ફોન હતો લંડનથી
મારા પિતરાઈનો —
ઘરનાં સહુના સમાચાર
એ હોંશથી આપતો હતો —
“આપણી મૉટેલ તો ધમધોકાર ચાે છે હોં!
આ વખતે વૅકેશનમાં
મોન્ટુ જવાનો છે
અમેરિકા
ને પિંકી એની બહેનપણીઓ સાથે
સ્વિટ્ઝર્લૅન્ડ
તારાં ભાભી પણ લ્હેર કરે છે,
લેસ્ટરના મૂર્તિમહોત્સવમાં
સૌથી વધારે ડોનેશન આપીને એણે
પહેલી આરતી ઉતારી હતી,
અને હું —?
ઑહ! હું કેમ છું એમ પૂછે છે?
ફાઇન! વેરીફાઇન!!
પણ, તમે બધાં કેમ છો?...”
— ને પછી ચાલી લાં...બી વાત
ઘરની, શેરીની, ગામની
ને ખેતરની,
છેલ્લે હું કહેવા જતો હતો “આવજો”
ત્યાં એકાએક એણે મને પૂછ્યું —
“આપણી વાડીમાં હજુ કોસ ચાલે છે?
ને... રામજી મંદિરની આરતીમાં
ઝાલર કોણ વગાડે છે?”
એનો ઉત્કંઠાભર્યો – આર્દ્ર અવાજ
ખારાં પાણીમાં ઝબકોળાઈને આવતો હોય
એવું કેમ લાગ્યું?
એના આગળના શબ્દો હવામાં ઊડતા રહ્યા
મને લાગ્યું, જાણે એના હાથમાં
ફોનનું રિસીવર નહીં
ઝાલર વગાડતી દાંડી
અટકી ગઈ છે...