અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/મૃત્યુ


મૃત્યુ

ગુલામમોહમ્મદ શેખ

આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે,
કદાચ પાસે જઈશ, તો એનું રૂપ બદલાઈ જશે,
મૃત્યુ છે એક મોટું મોઝેઈક.
એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે
પરંતુ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે.
એની આંખોમાં બે ચાર કવિઓની છાતીના ભૂરા સૂરજ છે
અને ાંગળાંમાં ચિત્રકારોની કડવી નજરોના ડાઘ છે.
એનું શરીર માણસનું છે
છતાં એને વૃક્ષ પણ કહી શકાય.
આદિ મનુષ્ય એને વાદળું પણ કહે,
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે.
એ જીવડાં અત્યારે શાપ પૂરો થવા ને લીધે
ઈશ્વર બનવાની તૈયારીમાં છે.
એનું માંસ કોચીએ
તો કેળાના ગરની મીઠાશનું પોત માણવા મળે.
એના પેટમાં સ્ત્રીઓના હોઠની લોલુપતા છે,
સાથળમાં શેતાનનો અદ્ભુત મહેલ છે,
હાથમાં આકાશનો વ્યાપ છે,
પગમાં કાચંડાના રંગની ચંચળતાછે.
એની પીઠ પાણીની છે
અને મોં રાખનું છે.
અરેરે, મને તો બધું દેખાય છે,
આટલે દૂરથી પણ
મને મૃત્યુ સામે જ ઊભેલું જણાય છે,
આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
ટગરટગર તાકતું.