અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અરે, કોઈ તો…

From Ekatra Wiki
Revision as of 15:47, 21 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
અરે, કોઈ તો…

જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઇટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીનાં ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઇટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારોધબ્…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
`કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે, કોઈ તો
ઇલેક્ટ્રિશિયનને બોલાવો!'
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે :
`અરે, ગિરિધર! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ…'

અને —
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

(ધારો કે એક સાંજ આપણે મળ્યાં…, પૃ. ૩૬-૩૭)



આસ્વાદ: મીણબત્તી જેવી ધાર્મિકતા — મનસુખલાલ ઝવેરી

અત્યારનું આપણું જીવન તો જુઓ! કોઈને એકાગ્ર ચિત્તે કંઈ કરવું હોય તો કરી શકાય એમ પણ રહ્યું નથી. ઉપરનીચે, આડોશપાડોશ, ચારે તરફથી કર્કશ કોલાહલ ને કૂથલી, અફવાઓ ને નાહકના નાનામોટા ઝઘડાઓ – આ બધાંને લીધે નથી કાને પડ્યું કશું સંભળાતું, નથી નિરાંતે ને સ્વસ્થ ચિત્તે કંઈ થઈ શકતું. માણસ એવો તો બદલાઈ ગયો છે કે રોજના પડોશીયે અપરિચિત જેવા બની ગયા છે. ને માણસ પોતાનું કામ પડતું મૂકીને રસલીન બની ગયો છે અફવાઓ ફેલાવવા – સાંભળવામાં. ચારે તરફ, જાણે કે, ઘોર અંધકાર છવાઈ ગયો છે.

જીવનની આ અતંત્રતા અને અરાજકતા દૂર કરવાનો ઉપાય એક જ છે. જીવનધર્મી કોઈ કવિ પ્રગટે ને વિરવિખેર થઈ ગયેલા જીવનને સ્વસ્થ ને સુશ્લિષ્ટ બનાવે તેવાં મૂલ્યોનો બોધ કરીને જીવનપંથને ઝળહળાવે તે. પણ કવિ કે મહાકવિ આપણા વશવર્તી હોતા નથી. આપણા બોલાવ્યા એ આવે પણ ખરા ને ન પણ આવે.

પણ સાચી ધાર્મિકતા તો સુલભ જ છે સૌ કોઈને. એ છે, અલબત્ત, મીણબત્તી જેવી. એનો પ્રકાશ ઉગ્ર ને આંજી નાખે તેવો નથી, પણ આછો ને મંદ છે. પણ આછો ને મંદ હોવા છતાં એ પ્રકાશ સ્થિર ને શાંત તો છે જ. અને એ શોધવા બહાર ક્યાંય દોડાદોડી કરવાની પણ જરૂર નથી.

પણ એ સાચી ધાર્મિકતા, એ મીણબત્તી, પણ આપણે ક્યાં હાથવગી રહેવા દીધી છે? આપણે જે જરૂરી-બિનજરિરી ચીજવસ્તુઓના ખડકલા કર્યા છે, તેમાં આપણે તેને કોણ જાણે ક્યાં ખોઈ નાખી છે? આપણા જીવનને આપણે હાથે કરીને એવું અવ્યવસ્થિત કરી નાખ્યું છે કે એ પણ જોઈએ ત્યારે મળી જાય એવું રહ્યું નથી.

આ સ્થિતિ છે, ઘર ઘરની, આખા દેશની, આપણા આખા જીવનની.

મીરાં તો ભક્ત હતી એટલે એ ગિરિધરને બોલાવે એ સમજી શકાય તેવું છે, પણ વ્યાસ જે કવિ છે, કવિ જ નહિ દ્રષ્ટા ને ઋષિ છે તે – કાલિદાસ, તુકારામ અને નરસિંહ વગેરે પ્રમાણમાં ઊતરતી કક્ષાના કવિઓને બોલાવે તેમાં સ્વારસ્ય કેટલું તે પ્રશ્ન છે. (‘એકાંતની સભા'માંથી)