અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/સ્તન-સૂત્ર


સ્તન-સૂત્ર

જયદેવ શુક્લ

(૧)

હરિણીનાં શિંગડાની
અણી જેવી
ઘાતક
તામ્ર-શ્યામ ડીંટડીઓ
ખૂંપી ગઈ
છાતીમાં
પ્હેલ્લી વાર!

છાતી પર
સદીઓથી
ધબકે છે
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!

(૨)


મોગરી જેવી
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
વ્યાકુળ હથેળીઓ
તળે
લપાવ્યાં
ભાંભરતાં સ્તનો.

બન્ને હથેળીમાં
આજેય ફરી રહી છે
લોહિયાળ
શારડી!

(૩)


તંગ હવાના પડદા પર
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
સ્તનો
ઉચ્ચારે છે
વશીકરણ-મન્ત્ર!

(૪)

ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
કોતર્યાં
સળગતાં
રેશમી ગોળાર્ધ.

(૫)


તે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
આખા શરીરે
ત્રોફેલાં
છૂંદણાંમાં
ટહુક્યા કરે છે
કોયલકાળો
પંચમ!

(૬)


લાડુની બહાર
મરક મરક
ડોકિયું કરતી
લાલ દ્રાક્ષ જેવી...
દેહ આખ્ખો
રસબસ
તસબસ...

(૭)


ચૈત્રી ચાંદની
અગાશીમાં
બન્ધ આંખે
સ્પર્શ્યા હતા
હોઠ
તે તો લૂમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!

(૮)


કાયાનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ
થતાં
કમળો જ!