અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/દરિયો

દરિયો

ઝવેરચંદ મેઘાણી



(ઢાળઃ ‘નાણું નાખ્યે દાદુભા નૈ મળે’)

દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


છલકે મોજાં ને છોળો મારતાં,
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


ઝલકે ઝલકે રે જળમાછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


ઊઘડે ઊઘડે ને બિડાય તારલા,
ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

(1928)