અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/તો કહેજો… (ઝાડ)

Revision as of 11:49, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તો કહેજો… (ઝાડ)|દલપત પઢિયાર}} <poem> એક દિવસ સોસાયટીના સૌએ ભેગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તો કહેજો… (ઝાડ)

દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું.
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે;
મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ!
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે!
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી!