અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/તો કહેજો… (ઝાડ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


તો કહેજો… (ઝાડ)

દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું.
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે;
મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ!
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે!
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી!