અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા લખવી


કવિતા લખવી

દિલીપ ઝવેરી

કવિતા લખવી
એટલે કોઈ નાની-મોટી મુસાફરીએ નીકળ્યા જેવું છે
ક્યાં જવું તે નક્કી હોય અને ન પણ હોય
આરંભમાં ભલે રસ્તો જાણીતો હોય
પછી તો અજાણ્યા જ હોય બધા રસ્તા
ઓળખીતા પણ બનતા જાય નવાઈ-કંટાળાભર્યા
ક્યારે પહોંચશું એની તાલાવેલી લાગે
અને શું કામ નીકળ્યા એનો વસવસોય થાય
બધું યાદ કરીને લીધું-ગોઠવ્યું હોય
અને ખીસામાં હાથ નાખતાંક રૂમાલ ન મળે
તો પછી રૂમાલની જેમ બીજું કેટકેટલું ભુલાઈ ગયું હશે
એની ચિંતા થાય
ત્યારે લાગે કે કવિતા લખવી એ તો સાહસ છે
બધું ધાર્યા જેવું જ હોય તો મુસાફરીની મજા ક્યાં?

એકાદ ગલગોટા જેવા અનુભવની વાત લખવા જતાં
ગલગલિયાં થાય અને ફુવારા ફુવારા લખાય
ફુવારો દિવાળીના ફટાકડામાંથી નીકળ્યો હોય
કે વ્હેલનાં નસકોરાંમાંથી

કે રમખાણમાં છરી ખોંપેલા પેટના આંતરડાની નસમાંથી
હાથમાં લૂગડું લઈને પહેલાં લૂંછળું કે ઘાવમાં ઠૂંસવું
એવી મૂંઝવણ થાય પછીનો શબ્દ ગોતવામાં
મૂંઝાયેલો શબ્દ પેટીના ન ખૂલતા તાળામાં ફસાયેલી ચાવી જેવો
હવે પેટીમાં ભરી રાખેલ કલ્પનાઓનું શું?
હવે દિવાળીમાં બૉમ્બ ફૂટશે?

વ્હેલ માછલી નહીં બચે?
માણસ માણસને આમ જ કાપીને કટકા કરશે?

જવાબ દેવા માટે કવિતા નથી લખવાની હોતી!
‘નવનીત સમર્પણ’, નવેમ્બર ૨૦૦૮