અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/પોપટ બેઠો

Revision as of 11:00, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પોપટ બેઠો

ધીરુ પરીખ

અધખૂલી આજ વસારે
પોપટ નાનો આવી બેઠો
જીરણ ઘર-મોભારે.
આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો!
બટકેલુંયે નેવેનેવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિરણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંનાં પતંગિયાં શાં
ફૂલ ફૂલ પર ઊડ્યાં!
પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો
પોપટ નાનો ઘર-મોભારે બેઠો!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)