અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિમાસણ

ધીરુ પરીખ

આઘેરા ગરજે છે સાયર ક્યારના
પડ્યા ઝીણેરા કાળાય જી;
વગડે વેરાયલ આપણ વાદળી
હવે ક્યમ રે મળાય જી? — આઘેરા.
કામઠેથી છૂટ્યાં તીર આપણે
બાણાવળીને સંચાર જી;
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં
પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા.
આપણે ટહુકા પંખીગાનના
રઝળ્યા વનની મોઝાર જી;
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા.
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)