અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ

શીખ

ધીરુ પરીખ

બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર
બાંકડે નિરાંતે.
જતી-આવતી ગાડીઓ જોતો રહું.
લોકો અને સામાનની ચઢ ને ઊતર,
મેદનીનો કોલાહલ, પંખીઓનો કલરવ
બધું ઠલવાય મારાં કર્ણદ્વારે
જેમ સાગરમાં ઠલવાતું નીર.
મને લાગે નથી હું અધીર.
બેસી રહું બાંકડા ઉપર
મનમાં કમાડ ભીડી;
ત્યાં તો એક નીકળે હમાલ
રાખી મોંમાં બીડી.
કહેઃ ‘ઊઠો, હવે કોઈ ગાડી આવવાની નથી.’
મેં કહ્યું કે ગાડી માટે બેઠો નથી.
શોચુંઃ કેવળ બેસવું. જોતાં રહેવું
નહીં કદી વ્હેવું —
શીખ્યો છું હું પ્લૅટફૉર્મ પાસેથી કૈં એવું!