અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/હવે સૂર્ય અને ચંદ્ર પણ


હવે સૂર્ય અને ચંદ્ર પણ

ધીરેન્દ્ર મહેતા

પડોશનું મકાન
ફરી એક મજલો ઊંચે ચઢી ગયું...
મારા ઘરની બારીમાં
મેં મઢી રાખેલું આકાશ
ફરી એક વાર ટુકડો થઈ ગયું...
સામેના મકાનની છત પર
એન્ટેના જડાયું;
એથી
મારા બારણામાં
રોજ સવારે ડોકિયું કરતો સૂરજ
ક્ષતવિક્ષત થઈ ગયો
અને
મારાં અંગ પર ફરફરતું
તડકાનું વસ્ત્ર
લીરેલીરા થઈ ગયું...

બાજુના ખૂણે મુકાયેલા
જબરજસ્ત હોર્ડિંગથી
મારી નાની શી ગૅલેરીમાં દેખાતો ચંદ્ર
અંધ થઈ ગયો...

નદી અને વૃક્ષને તો
મેં ક્યારનાં
મારા ઓરડાની દીવાલ પર
ટિંગાતા ચિત્રમાં
મઢી લીધાં છે;
હવે સૂર્ય અને ચંદ્ર પણ...
(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)