અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/— (મુજ દૃષ્ટિ પાછી ના વળે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


— (મુજ દૃષ્ટિ પાછી ના વળે)

ધીરેન્દ્ર મહેતા

મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી.

ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!

જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!

પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!

શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!

ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી!

આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!

પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!