અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ફરવા આવ્યો છું

Revision as of 22:11, 20 June 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફરવા આવ્યો છું

નિરંજન ભગત

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
— રે ચહું ન પાછો ઘેર જવા!

હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

(છંદોલય, પૃ. ૨૬૮)




નિરંજન ભગત • હું તો બસ ફરવા આવ્યો છું! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ