અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ગીત (કાંઈ બોલ્યા વિના...)


ગીત (કાંઈ બોલ્યા વિના...)

નિરંજન યાજ્ઞિક

કાંઈ બોલ્યા વિના, હોઠ ખોલ્યા વિના, વાત વ્હેતી હવામાં છાની છાની;
સૂર્ય ઝીલ્યા વિના, ફૂલ ખીલ્યા વિના, મ્હૅક વ્હેતી હવામાં છાની છાની!

પીંછાંમાં એક અમે પંખીને પામ્યા
ને ટહુકામાં પામ્યા આકાશ
એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર
એક ટીપામાં સમંદરનો વાસ.

વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની;
કાંઈ બોલ્યા વિના, હોઠ ખોલ્યા વિના, વાત વ્હેતી હવામાં છાની છાની.

આમ નજરુંનો સંધાણો તાર અને
પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો,
સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.

નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની;
સૂર્ય ઝીલ્યા વિના, ફૂલ ખીલ્યા વિના, મ્હૅક વ્હેતી હવામાં છાની છાની.
(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૪૫)