અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /ઘર અશ્રુનું


ઘર અશ્રુનું

નિર્મિશ ઠાકર

‘જાઉં છું મારે ઘરે’ કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીની જાહેરખબરોવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે
લખાય છેઃ
...જોઈએ છે કન્યા — સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી...
રામરાજ્યમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું?
પરબ, ડિસે. ૨૪