અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /પુત્રને પહેલી વાર શાળાએ મૂકતી વેળા


પુત્રને પહેલી વાર શાળાએ મૂકતી વેળા

નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સ્હેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!