અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/કાવ્ય (પછી ચાલી જવાનું...)


કાવ્ય (પછી ચાલી જવાનું...)

નીતિન મહેતા

પછી ચાલી જવાનું
નક્કી કર્યું
થોડું પાણી પીધું ન પીધું
ને ગ્લાસ પર આંગળાંઓની
છાપમાં ઢળતા સૂરજને મૂકી
હજી તો પગ ઉપાડું
ત્યાં તો
ખભે હાથ મૂકી કહે
એમ ન જવાય
કેમ?
બહુ રહ્યો તારી સાથે
હવે તું કાં તો હું
કહે એવું ન ચાલે
આપણે તો એક જ

સતત ઝઘડું
હથિયારો વાપરું
લોહીલુહાણ કરું
ડરાવું ધમકાવું
કાનસથી આઠમના ચંદ્રને ઘસું
પણ જવાનું નામ જ ન લે
કહ્યું છોડને દોસ્ત
આપણા ઋણાનુબંધ પૂરા થયા
તો કે ના
જ્યાં તું ત્યાં હું
હું જ તારું અસ્તિત્વ
હું જ તારા શ્વાસ
હું જ તારું જીવન
ટપારી કહું
ઝાઝો પ્રગટ ન થા
છુપાવતાં શીખ
હવે માત્ર
તું જલદી જા
ખાડો ખોદ્યો
દાટ્યો
સાંજ પડી ગઈ
સવાર થઈ ન થઈ
ઝાકળભીની માટીમાંથી
કૂંપળ થઈ ડોકું કાઢ્યું
કહ્યું છોડને
તો કહે છોડ થવું છે
વૃક્ષ થવું છે
કહ્યુંઃ કરવતે દેવાશે
પણ નફ્ફટ માને તો ને
કહે ધિક્કારશે
તોયે હું તો
ચામડીની જેમ સાથે ને સાથે જ
રહીશ
પણ જશે ક્યારે
જેવી મરજી
ચુપકીદીભરી બપોરે
કે તારાભરી રાતે
ચાલી પણ જાઉં
કંઈ નક્કી નહીં
બસ બસ
ઠાલા દિલાસા ન આપ
નાટક ન કર

આખી રાત ઉઘાડી આંખે સાંભળું તો
ઘા પડેલી છાતીમાં
આછું આછું કણસે
પણ જાય નહીં

થોડા દિવસ પછી
અડધી રાતે
આંખ મિચકારતાં કહે
જાઉં કે ન જાઉં
તેની આ અવઢવથી
થાક્યો હું તો
જરા આંખ મળી
થોડી વારે બારી અથડાઈ

પવનમાંથી દીવો લઈ મારા ડાબે પડખે
મૂકી
કહે
જાઉં તો ખરો
પણ એક શરતે
તું કંઈક વરદાન માગ
ના મારે ન જોઈએ
તારું વરદાન
ન દયા
કે ન શરત
મને જોઈએ
વાગેશ્વરીનો શાપ
હવે બહુ ભવાડા

ને ડાગલાવેડા કર્યા
ચિંતકના સાજ સજ્યા
ને પડઘાઓ પાડ પાડ કર્યા
મા તને ઘરેણાંથી લાદી
વાવમાં ડુબાડી
તારાથી ખીચોખીચ
મને મુક્ત કર
ખાલીપો
ને
અવકાશ આપ
કોરોકટ્ટ બનાવ મને
મારી વાણીનું નખ્ખોદ જાય
નખ્ખોદ જાય
નખ્ખોદ જાય

સુક્કી આંખે
રેતીની પાંખે
એને ઊડતો હું જોઈ રહ્યો
ને તડ પડેલી બારી
હવામાં
અથડાતી રહી.
નવનીત સમર્પણ, ઑક્ટો. ૭૬-૭૭