અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/પારખું

From Ekatra Wiki
Revision as of 19:13, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પારખું |પ્રદ્યુમ્ન તન્ના}} <poem> સઇયરું પજવે રે સઇયરું પજવે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પારખું

પ્રદ્યુમ્ન તન્ના


સઇયરું પજવે રે સઇયરું પજવે
હાં રે પૂછે કરી કરી પલક મીંચામણી,
‘અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’

જટાળા કો’ જોગી જેવાં મસ માથે જટિયાં
ને ઓળી ઓળી ખાંતે વા’લો પાડે એવાં પટિયાં,
અધપડિયાળા ઘેને
મશડી આંજે રે નેણે,
શામળો ને ઓઢે પાછો કંધે કાળો કામળો!
ઓહો મૂરત બની છે કાંઈ લોચન-લૂભામણી!
‘અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!

દંન આખો વંન માંહી ઘેન લેઈ ભટકે
રે શીખનાં બે વેણ કોઈ કે’ તો વાત વટકે.
આંખ્યું કરી કરડી
ને મુખ એવું મરડીને
કે’નારાની પાંહે ભૂંડો દાણ હામા માગતો!
બાઈ! રબારાના છોરે લીધી દોર આખા ગામની!
‘અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’

લાખ તમીં બોલો ઇંનું વાંકું એકસરખું
આ રહી રહી તોય હું તો હિયે મારે હરખું,
ભૂલિયા સંધાયે જ્યહીં
પરખ્યો મીં એક ત્યહીં,
એ જી કાયનો ના રંગ મીં તો જોયો એલી માં’યલો!
એવું રતન પામી છું જેની નથ સરખામણી!
‘અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’

(છોળ, ૧૯૫૯)