અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/હિસાબ

Revision as of 19:09, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હિસાબ | પ્રદ્યુમ્ન તન્ના}} <poem> ::: જાવ જાવ જાદવજી જૂઠા! <ref>ગિરધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હિસાબ

પ્રદ્યુમ્ન તન્ના

જાવ જાવ જાદવજી જૂઠા! [1]
અમને અબુધને શું આજ લગી આવડાં અવળાં ભણાવ્યાં તમીં ઊઠાં?!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા...

વાહેં તમારી હાય લાજ્ય મરજાદ
ને સરવે વિસાર્યાં સાનભાન,
ભક્તિ-મુક્તિની ભલી વાત્યુંમાં ભોળવઈ
કેવળ દીધાં ના વા’લાં દાણ,
રે મૈડાની હાર્યોહાર્ય હૈડાના હીરનીયે કરવા દીધી’તી લૂટંલૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા...

અમથું અમથું તે એક કૌતુક થૈ
આવ્યું કોરે કાળજડે કરી કોઠા,
પે’લવે’લી વાર બેઠાં ગણવા કે જોઈ ક્યાંક
આપલેનાં આંક નહીં ખોટા!
રે આવડિયો એવો અમીં માંડ્યો હિસાબ તો ઉત્તર કંઈ લાધ્યા અનૂઠા!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા...

આજ લગી ચૂકવ્યાં તે અરધાં માધવ
રહ્યાં અરધાં તે નથ્થ હવે દેવા,
ભવે ભવે આવજો વૈકુંઠથી આંહીં વ્રજે
લેણાં બાકીનાં બધાં લેવા!
રે નિજની માયામાં રાજ રે’જો અટવાયા હવે તમીં બંધાયા અમીં છૂટાં!
કે જાવ જાવ હાં રે તમીં જાદવજી જૂઠા...

૧૯૭૭, 'છોળ'માંથી

  1. ગિરધર પરે ઓવારી જતી ગોપીયુંને રહી રહી પજવે છે એક જ સહજ શંકા. ‘જેની સંગ જીવ હળ્યો એને કેમ અને કેટલું જકડી રખાય? ને વળ્યો છે એક જ જવાબ, ‘જેટલાં આપણાં અંજળ, જેટલી આપણી લેણદેણ! બસ આટલું જ?! ભલા! તો ચૂકવવી જ શાને આ લેણદેણ?! જેણે છુટ્ટે હાથ દીધું એની મૂડી ચૂકવીએ તો થાય ને આપણાંથી છુટ્ટાં? દીધી મૂડીની તો દેનારને ચિંતા, આપણે કેવી?! છો કરતાં ભવોભવ આપણે પીછો, દીધી મૂડીને પુનઃ પામવા!’