અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક્કેય એવું ફૂલ

From Ekatra Wiki
Revision as of 07:31, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે જે મને હો ના ગમ્યું! જેટલાં જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું, ક્યારે હવે હું જોઉં….

એમાંય તે આજે વસન્ત
મબલક ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઈને નાંગરી
આછા શિશિરના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં
         અરે બહુ પર્ણમાં

સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું.
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
         ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
અહીંતહીં બધે વેરઈ ગયા!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦૭)