અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર


પગરવોની પાનખર

બકુલેશ દેસાઈ

એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!

વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!

પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!

આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!

સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!

નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!

શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)