અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લલિત ત્રિવેદી/શ્રુતિ પ્રગટો હવે —
Jump to navigation
Jump to search
શ્રુતિ પ્રગટો હવે —
લલિત ત્રિવેદી
આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે,
વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે.
શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી…
નાભિમાંથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે.
ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડનાં….
કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી, દ્યુતિ! પ્રગટો હવે
ચર્મમાંથી મર્મમાં પ્રગટું… ચરમસીમા વટું…
હે સકળ અખિલાઈની ગેબી સ્થિતિ! પ્રગટો હવે.
આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ…
કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે.
(પર્યંત, ૧૯૯૪, પૃ. ૩૬)