અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ

માય ના ઉમંગ

બકુલ રાવલ

આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું
         ને અવનિ તો અંગ અંગ મહેકી
મનના મરગલાનો માય ના ઉમંગ
         મારી લાગણીઓ જાય આજ લહેકી

પાંપણમાં ડોકાયા તારલિયા એમ ખૂલી
         સૂરજ ચંદરની બારી
સંધ્યાના રંગ મારી કીકીમાં ઝૂક્યા
         ને રાતડીએ માયા વિસ્તારી
સપનાંની દુનિયાયે જાગી અંગડાઈ લઈ એવી કે
         મારી ચેતનાઓ જાય આજ બહેકી

ફૂલડાંની ફોરમ ને માટીની સોડમથી
         અંતરને ઠેસ એવી લાગી
ગોપીની મટુકી-શી કાયામાં આજ
         જાણે કાનુડાની કાંકરી વાગી.
વનરા તે વનમાં બોલ્યા વિના જ મારી
         અંતરની સૃષ્ટિ ગઈ ચહેકી.

(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)