અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પોઢો પોપટ

પોઢો પોપટ

બળવંતરાય ક. ઠાકોર

ઝૂલો પોપટ: ઝૂલે સૃષ્ટી: જનનિ ઝુલવે ચંદ્રિકાપારણામાંઃ
પોઢો પોપટઃ પોઢે સૃષ્ટીઃ રજનિ પુઢવે મંદમંદાનિલોમાં.
પોઢો પોપટઃ ઝૂલે સૃષ્ટીઃ થનગન કરો તો ય મીંચાય આંખોઃ
પોઢો પોપટઃ પોઢે સૃષ્ટીઃ ગણગણ કરો તો ય બીડાય પાંખો. ૧

પોઢો પોપટઃ કાલે મોટા મરદ બનશો તાતથી તે સવાયાઃ
પોઢો પોપટઃ કાલે મોટા અરબ અસપે સ્વાર થાશો સફાળા.
પોઢો પોપટઃ કાલે મોટા શ્હડબસ્હડ ઝાઝે ચડી સિંધુ તરશોઃ
પોઢો પોપટઃ કાલે મોટા નૃપભુપતણા મીર કે વીર બનશો. ૨

પોઢો પોપટઃ કાલે મોટાં શર નયનના વાગશે કામવેધીઃ
પોઢો પોપટઃ કાલે મોટાં સરઘસ રચી જૈશું હો માંડવે જી;
પોઢો પોપટઃ કાલે મોટી પુરુષપ્રકૃતી નિર્મિતા આદ્ય વેદિ,
મંગળ ફેરે અર્ચી તે રે,
પોઢો પોપટ–કાલે મોટી શપથપગલે રોપશો ધર્મવેલી. ૩

પોઢો પોપટઃ અધમધ નિશા ઘેરતી નૅન ઘેને
પોઢો પોપટઃ ફર ફર સ્ફુરે સ્વપ્ન લ્હેરત નૅનેઃ
પોઢો પોપટઃ રુમઝુમ વધૂવિદ્યત્ આ તે ત્હમારીઃ
પોઢો પોપટઃ દિવસ ગણતી વાટ જોતી બિચારી. ૪

પોઢો પોપટઃ જનનિ રજની યે ઢળે નીંદખોળેઃ
પોઢો પોપટઃ રજનિ જનની યે ઝુલે સ્વપ્ન ઝૂલેઃ
પોઢો પોપટઃ જનનિ રજની શાંતિમાં નાથ ગુંજે;
પોઢો પોપટઃ ઘડિ પછિ ઉગે જો પિતાજી સ્વકુંજે. ૫