અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ઝાકળની પિછોડી

From Ekatra Wiki
Revision as of 12:46, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી? સોડ રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?
સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો —
         શ્વાસને સેજારે જાશે ઊડી
         મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં —
                  તરસ્યાં હાંફે રે દોડી દોડી;
         મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા!
                  સાચાં સરવરિયે દ્યો ને જોડી.
         મનવાજી મારા જૂઠી ઝાકળની પિછોડી!

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા!
         જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મ્હોરે સાચા મોતી-મોગરાજી!
         ચૂની ચૂની લેજો એને તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!

એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા!
         થીર રે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા! એવાં જી ઊંઘવાં કે —
         કોઈ નો શકે રે સુરતા તોડી.
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!

(પરિક્રમા, પૃ. ૧૩૪)