અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત પાઠક/છાપ્યા અક્ષર વાંચતાં…


છાપ્યા અક્ષર વાંચતાં…

ભરત પાઠક

છાપ્યા અક્ષર વાંચતાં સુણું તારો સાદ,
કબીરા, તારા સંગની જાગે જૂની યાદ.
દોહે દોહે ઓળખ્યો તાણેતાણાનો ઝોક
વાણે વાણે પ્રાણમાં (તારી) ધબકે મીઠી ઠોક.
હર ચદ્દરમાં તેં વણ્યાં ઢાઈ અક્ષરી ફૂલ.
ફોરમ હજી ફરૂકતી ઔર ચદ્દર હો ગઈ ડૂલ.
દૂરથી ભાળી દીવડો અમે લીધી સીધી વાટ,
સાંઈ સંગત પામિયા, કબીરા, તારે ઘાટ.
આ જન્મે પણ તું મળ્યો, પૂરણ કીધી આશ,
તારી સાખીમાં સખા, હોજો આખર સાસ.
(ભગતની ચ્હા, ૧૯૯૫, પૃ. ૭૪)