અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/સમી સાંઝરે

સમી સાંઝરે

ભાનુપ્રસાદ ત્રિવેદી

લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે,
ખડાં થઈ ગ્યાં સ્મરણ-વાછરું: અરે ક્યારનાં અહીં ભાંભરે!

         હડફડ ઊગી ગયાં ખોરડાં,
                  લચ્યો લીમડો શોરે,
         ટોળે વળિયા ખણક-ઓરડા:
                  નીરખે ટીંબો કોરે
રણની વચ્ચે સાત સમુંદર, મઝધારે આ પલક નાંગરે...

         ઉજાગરાંનાં તેલ-કચોળાં
                  માંચી જોડે મૂક્યાં,
         રણઝણ વહેલ્ય સમાં ઘરચોળાં
                  તોરણ નીચે ઢૂંક્યાં.
ઓકળીઓ થૈ ઊડ્યા ઓરતા વળગાડ્યા જે હતા ઝાંખરે.

         આવી આવી બારણિયેથી
                  ગયા મેહ આથમણા,
         ગઈ ઊપટી આંગણિયેથી
                  પાનખરોની ભ્રમણા,
કોણ સોડિયે દીવો લૈને હજી ઊભું આ જીરણ માંજરે?

(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, પૃ. ૮૦)