અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/કાવ્યપંચમી: સવાર (એક)


કાવ્યપંચમી: સવાર (એક)

મણિલાલ હ. પટેલ

રોજ સવારે પીળું પંખી સાદ પાડતું કોને?
કોક વ્હેંચતું શેરી વચ્ચે તેજલ સળીઓ જોને!

માળે બેસી સુઘરી શાણી ઝીણું ઝીણું ભાળે,
કીડી ઝાકળજળમાં ન્હાઈ તૃણની ટોચે મ્હાલે;

ખડખડપાંચમ રથ રાતનો આથમણી પા ડોલે,
પીઠીવરણો પરણ્યો આખી પૂર્વ દિશાને ખોલે;

મૉર લચેલી આંબાડાળી એક કાન થઈ જુએ,
ઝાકળનાં નકરાં જળ લઈને તડકો મોઢું ધુએ;

બદામડીને પાને પાને રંગ કીરમજી બેઠો,
લોભી સૂડો ઊઠ્યો એવો સોનમ્હોરમાં પેઠો;

ચંચળ નાચણ જરા જપે ના, દરજીડા રઘવાયા,
ફૂલસૂંઘણી ફરક્યા કરતી દૈયડના દિન આવ્યા;

આછી આછી ગંધ પમરતી કેડી સીમમાં જાય,
ઘાસ વચાળે જળની પરીઓ તાંબાવરણું ગાય.



આસ્વાદ: વહેલી પરોઢના ઉઘાડનું હૃદયંગમ ચિત્ર – વિનોદ જોશી

જગતમાં જે કોઈ આશ્ચર્યો છે તેને જાણી જાણીને આપણે સામાન્ય બનાવી દેતાં હોઈએ છીએ. કશું પણ જ્યાં સુધી આપણી સમજની બહાર હોય ત્યાં સુધી ચિત્ત તેને વિશે સક્રિય રહે છે, ઉત્તેજના અનુભવે છે. પણ જેવું એ જાણકારીમાં પ્રવેશે કે તેને વિશેની ઉત્તેજના શમી જાય છે. અપરિચિત આલોકમાં વિસ્તરવાની મમત એટલે જ આપણને સહુને વળગેલી છે. ભાષાનું પણ આવું જ છે. પરિચિત ભાષા આપણને રોમાંચક લાગતી નથી. ભાષાને અપરિચિત કરીને પ્રયોજવાનો કીમિયો કવિતામાં એટલે જ થાય છે. કવિતાની ભાષા તેના સામાન્ય અર્થથી ઊંચકાઈ વિશિષ્ટ એવાં સૌંદર્યકારી પરિણામો આપે છે તે આ કાવ્ય પરથી કહી શકાશે. અહીં, ઊઘડતા પ્રભાતને કાવ્યવિષય બનાવી કવિ તેને વિશે સૂક્ષ્મ એવાં નિરીક્ષણો આપે છે. પણ આ નિરીક્ષણો અહીં કોઈ અહેવાલ બનતાં નથી. સવારનું અહીં એવું ચિત્ર મળે છે જેનો અનુભવ આપણે કોઈ પણ સમયે કરી શકીએ છીએ. કવિતા આપણી સન્મુખ રહેલા સમયને ઓઝલ કરી દઈ પોતાનામાં રહેલા સમયને ઉઘાડી આપે છે. કવિ સવારને પીળા પંખી તરીકે ઓળખાવી તેના નિત્ય આગમનનો સૌપ્રથમ સંકેત કરે છે. પરિચિત હતું એ અપરિચિત થઈ ગયું. પીળું પંખી સાદ પાડી રહ્યું હોય એ વાત બની શકે પણ આ પંખી તો સવારના સોનેરી અજવાસનું વિરાટ રૂપ ધરાવતું મહાકાય પંખી છે. વળી, એ સાદ પાડી રહ્યું છે. કોઈકને બોલાવીને તેના તેજની સોનેરી સળીઓ જેવાં કિરણ વહેંચી રહ્યું છે. કેવું વિસ્મયકારક ચિત્ર છે! પ્રભાતને પંખી કલ્પી લઈને કવિએ તેને આપણી સમક્ષ જીવતું બનાવી દીધું. આ સુકુમાર સમયનું એક બીજું ચિત્ર. સુઘરી માળામાં બેસી ટગર ટગર જોઈ રહી છે. શું જોઈ રહી છે? જોઈ રહી છે કે કીડી ઝાકળમાં ન્હાઈને ઘાસની ટોચ પર જઈ બેઠી છે. સુઘરી અને કીડીના બે સામસામા ધ્રુવો રચીને કવિ છેવટે તો નિસર્ગની એકરાગતાનો જ સૂર પ્રગટાવે છે. ઝાકળમાં સ્નાન કરતી કીડીનું ચિત્ર કેવું રોમાંચક છે! આખી રાત જે રીતે પસાર થઈ ગઈ છે તે ગાત્રોને શિથિલ કરી દેનારી હતી. કવિએ તેને ‘ખડખડ પાંચમ રથ’ કહીને ઓળખાવી છે. આથમણી દિશાએ તેના પહોંચવાની સાથે જ પીઠી ચોળેલો વરરાજો પૂર્વ દિશાએ અજવાળતો આવી ચડે છે. ભાગ્યે જ એ કહેવાનું હોય કે અહીં સૂર્યની વાત છે. પ્રત્યગ્ર અને ઉન્માદી સૂર્યને લગ્ન સંદર્ભમાં અહીં યોજીને કવિએ રમણીય અને નૂતન કલ્પન નીપજાવ્યું છે. હવે તડકાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. કીડીએ ઝાકળમાં સ્નાન કર્યું તો તડકો ઝાકળમાંથી મોઢું ધુએ છે. વાત કંઈ સામાન્ય નથી. સહુ જાણે છે કે તડકામાં ઝાકળ સુકાઈ જાય. પણ એ વાતને એક લાક્ષણિક સંદર્ભ આપી ઝાકળ કઈ રીતે અસ્ત પામે છે તેની કમનીય છટા કવિ અહીં રચી આપે છે. વળી આ મોઢું ધોવાની ક્રિયા કરતી વખતે હવાની સરસરાહટ પણ વહેતી જ હશે. નહીં તો આંબાની ડાળી શા માટે કાન દઈને સાંભળે છે? સાંભળે નહીં પણ જુએ તેમ અહીં કહેવાયું છે. કાનના વિષયને આંખનો બનાવી દઈ કવિએ ઇન્દ્રિયવ્યત્યય કર્યો છે તેમાંથી અહીં અસામાન્યતા પ્રગટે છે. હવે કવિની નજર બદામડી તરફ જાય છે. તેનાં પાને પાને બેઠેલા કિરમજી રંગોનો સંકેત પંખીઓની જમાતને સૂચવે છે. પણ એક લોભી સૂડો સોનમોરમાં પ્રવેશે છે. એવું કવિને દેખાઈ આવ્યું. ગુલમોરને સ્થાને કવિએ સોનામ્હોર શબ્દ પ્રયોજ્યો છે. ગુલમ્હોરનું વૃક્ષ પ્રભાતી સોનેરી કિરણોથી એવું તો મઢાઈ ગયું છે કે તેના અસલ રંગ અને ઓળખ ગાયબ થઈ ગયાં છે. તેને માટે સોનમ્હોર જેવો શબ્દ પ્રયોજવો પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે! એક સૂડાના ઉડ્ડયનની સાથે જ પાર વગરનાં પંખીઓનો કલરવ પ્રારંભાઈ ગયો. કવિએ એકએકનાં નામ પાડીને આ પંખીઓમાં કેવી ચેતના પ્રસરી ગઈ તેનું વર્ણન કર્યું છે. પરોઢથી પ્રારંભાતો દિવસ હવે કોઈ રીતે સ્થિર બેસી શકે તેમ નથી. કવિ કેડીને સીમની દિશામાં જતી જોઈ શકે છે. કેડી કંઈ એકલી જ નથી. તે તેના પર ચાલનારાઓને પણ સીમની દિશામાં લઈ જઈ રહી છે. તે આપણને દેખાય છે. કવિ એવું કશું નામ પાડીને કહ્યા વગર પણ કોઈકના સીમની દિશામાં જવા વિશે સંકેત કરે છે તેમાં રહેલી સૂક્ષ્મતા સમજી શકાશે. વળી પાછો છેલ્લી પંક્તિમાં ‘જલપરીઓ તાંબાવરણું ગાય’ તેવો ઇન્દ્રિયવ્યત્યય થયો. જળપરીઓ જળને બદલે ઘાસમાં છે તે પણ એક વ્યત્યય જ છે. તેમનું ગાવું એ પણ જાણે સૂર્યની આભાને કારણે ત્રાંબાવરણો અનુભવ આપી રહ્યાનું કવિને લાગે છે. અહીં એક એક પંક્તિમાં કવિ નિસર્ગનાં તત્ત્વોનો ઇન્દ્રિયાનુભવ આલેખે છે. આ કામ તેઓ ભાષા પાસે કરાવે છે. અહીં જોઈ શકાશે કે પરિચિત ભાષાને મરડી નાખીને કવિે તેને અપરિચિત બનાવી દીધી છે અને તે રીતે તેમાં એક સંકુલ ભાતને ગૂંથી લીધી છે. આ સંકુલતાને ઉકેલવામાં જે આનંદ આવે છે તે જ કાવ્યનું સૌંદર્ય છે. અહીં વહેલી પરોઢના ઉઘાડનું હૃદયંગમ ચિત્ર જે આહ્લાદ આપે છે તેવો જ આહ્લાદ કાવ્યની ભાષાનો પણ છે. ભાષાની રમણીય લીલાને ઉકેલવામાં આપણે પરોઢનો રમ્ય આવિર્ભાવ પણ પામી શકીએ છીએ.