અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/ભભૂતને


ભભૂતને

મનસુખલાલ ઝવેરી

(૧)


જીવને મમતા મીઠી પ્રેરતી ને પ્રબોધતી,
આત્મામાં સૌમ્ય ને સ્વસ્થ લીલા લલિત સ્નેહની.
આર્દ્ર હૈયા તણા કૈં કૈં વ્રણોને જે રુઝાવતી,
સંજીવની સખા! તારી હરાતાં વિધિહસ્તથી.
હૈયે ઊંડો પડેલો આ વ્રણ કોણ રુઝાવશે?
કપાતાં પાંખ હૈયાનું પંખી રે કેમ ઊડશે?

તારી વિદ્યુત પ્રભાથી તેં ઉજાળી અંધકારને
નિરાશાનાં દળોમાંયે સ્વસ્તિકો ચારુ ચીતર્યા,
એ બધા આજ વિલાયા, આજ અન્ધારનાં દળો
ઊમટી ઊમટી મારાં નેત્ર ને હૈયું રૂંધતાં.
છે પ્રવાસ હજી બાકી, ઘેરે અન્ધાર પંથને,
નિરાલંબ ઉરે મારા શૂન્યતા ઘોર ઘૂઘવે.

નમેરા મૃત્યુમાતંગે તારી જીવનપોયણી
ઉચ્છેદી, આશઉત્સાહે સ્વપ્ન રમ્યે ભરી ભરી
મારા હૈયાની સૃષ્ટિને પણ સંગે લીધી હરી.

હવે આલંબવું તારી સ્મૃતિને સર્વદા રહ્યું,
ને સ્મરી સ્મરીને સૂના જીવને ઝૂરવું રહ્યું.
‘અનન્ત કો ધામ મહીં ફરીથી
મળીશું ક્યારેક, યદા ઝરી જશે
કાયા તણા કુમ્ભ થકી અશેષ સૌ
રહ્યાંસહ્યાં જીવનબિન્દુઓ સખા!’

શ્રદ્ધાની કથની એવી કર્ણદ્વારે પ્રવેશતી,
ધીરતા કિન્તુ હૈયાની એથી અધિક ડૂલતી.

દેહનાં બન્ધનો ભેદી, સંગમાં તુજ મ્હાલવા
અધીરું પ્રાણપંખીડું વ્યગ્રવ્યાકુલ થાય આ

ને સખા! દિવસો વીતે. ક્ષીણાક્ષીણ શશિપ્રભા
ક્રમેથી થતી ચાલે ને કાલનાં કાલકૂટ આ

ઘૂંટાતાં અદકાં ચાલે; જીર્ણ યૌવન જીવન,
સર્વ કાંઈ થતું ચાલે; પણ એક જ શોક આ

તારા વિરહનો વ્હાલા, ઉત્તરોત્તર વાધતો
જીવને મૃત્યુની મીઠી પિપાસાને જગાડતો.

(૨)


વીતે દિન પર દિન, રજની પર રજની જતી,
મનનું તોયે મીન, હજીયે તું વણ તરફડે.

દિન વીતે, જોબન ઘટે, ઘટે સરિતનાં નીર,
એક ન તારો વીર, શોક ઘટે નિત વાધતો.

યાત્રી કૈંક હજાર ભવસાગરમાં સેલતાં,
તેમાં ક્યાં રે પ્રાણ! મારે તારો નેહડો!

નહિ નાતો, ન પિછાન, ક્યાંનો તું? ક્યાંના અમે?
જાગી જોતાં વાર જનમાંતરની પ્રીતડી.

ઓચિંતો તુજ મેહ મુજ આભે ગોરંભિયો,
અન્તર નવલે નેહ છલક્યું મારું ભાઈલા!

કુંજે મુજ કુંજાર પ્રાણબપૈયો ગ્હેકિયો,
અમ્રતની તુજ ધાર અગન શમાવે એહની.

તું સરવર, હું મીન, હું ચાતક, તું મેવલો,
તુજ મલ્લારે લીન મનડું મારું મોરલો.

અન્તરના ઉલ્લાસ તું વણ મુજ થ્યા પાંગળા,
એને એક ઉચાટ, પોષણહાર ક્યાં પામવો?

હાસ્યે હરખણહાર હજીયે જગમાં સાંપડે,
પણ શોક શમાવણહાર તું વણ ક્યાં રે શોધવો?

સહુ મશગૂલ સંસાર નિજનિજની રમત્યું વિશે,
તેમાં એક ઉદાર ભાળ્યો તુંને ભભૂતડા!

દિલ દુનિયામાં દોહ્યલું, ને દોહ્યલું ગુમાન વિનાનું ગન્યાન,
દિલ ને સાચું ગન્યાન દીઠાં તુંમાં, ભભૂતડા!

જળમાં રે’વું રોજ, પણ પળ યે ભીંજાવું નહીં,
અન્તરનો અવધૂત કમળ સમો તું, ઓલિયો.

રાગ નહીં, નહિ ખાર, ભાવઅભાવ ન ઓરતા,
હૈયું હેતઉદાર સાગર શું સમથળ રહ્યું,

નહિ કોંટો, નહિ ક્લેશ, નહિ મદ કે મચ્છર નહીં,
એકલરંગી હંમેશ હંમેશ દુલ્લો તું તો દિલનો.

‘મોટા’ દીઠા લોક કંઈ કંઈ હૈયે નાનડા,
નાને મોટપનોય મે’રામણ તુંમાં છલ્યો!

પોપટ પઢે અનેક પોથાં પંડેતાઈનાં,
પણ કોક જ તું જ્યમ એહ જીવતર માંહે જીરવે.

ડંખ વિનાનાં હાસ્ય કેરો તું તો હાથિયો,
જીવતરના કંકાસ ઘોળી તું પચવી ગયો.

અનુભવનાં એંધાણ પગલે પગલે પામવાં,
નિર્મળ તોયે પ્રાણ સરવર તુજ હેલે પડ્યાં.

હૈયે ગૂઢ વિષાદ, મરકલડાં તોયે મુખે,
રસ ઊંડો ને વેરાગ જીવતરમાં તેં જોગવ્યાં.

પેટ થકી સૌ હેઠ, જગની જૂની રીત એ,
પણ પર કાજે તેં છેક પેટ ગણ્યું નિજ પારકું.

સમણાં સંભારું વ્રેદુ:ખ તારું વીસરવા.
પણ અદકાં નોધારું કાજળ કોરી એ રહે.

વ્રહાનલમાં આજ સમણાં તો સરપણ થયાં,
દિન દિન દિલના દાહ વીરા! મારા વાધતા.

હૈયાહીણાં લોક હૈયું કોને દાખવું?
હૈયે માંડે કોક, તું જ્યમ અમિયલ આંખડી.

કમળે કાદવનાંય રૂપો રઢિયાળાં હતાં,
કમળ જતાં કરમાઈ, કાદવ તો કાદવ રહ્યા.

વ્રેદુ:ખ દી ને રાત વધુ ને વધુ વસમું બને,
પણ એક જ એમાં આશ, કે આઘેરાં ઓરાં થતાં.

પળથી પ્રકટે દિન, દિનથી મહિના મ્હોરતા,
મજલ કપાતી વીર! આવું નિત નિત ઢૂકડો.

૯-૧૦-૧૯૪૩