અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/કોના હોઠે

કોના હોઠે

મનોહર ત્રિવેદી


ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં!

મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં.

જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયાં કોને ગોતે?
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠેઃ મીરાં?

(1-11-1996, ચૂંટેલી કવિતાઃ મનોહર ત્રિવેદી)