અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ઝૂમવા લાગી


ઝૂમવા લાગી

મનોહર ત્રિવેદી

શિશિરના પગરવે લો સ્તબ્ધતાઓ જૂમવા લાગી,
ફૂલોને ‘આવજો’ કહી રિક્તતાઓ ઝૂમવા લાગી.

પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને —
ચડી વૃક્ષોની ડાળો પર ખિઝાંઓ ઝૂમવા લાગી.

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે,
સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી.

તિમિરની મ્હેક લઈને સાંજ પણ આવી ઘરે મારે,
તમારી યાદથી ત્યારે વ્યથાઓ ઝૂમવા લાગી.

ત્વચા ઉપર ઊગેલા સ્પર્શને બેઠી વસંતો ત્યાં,
ટહુક્યું લોહી ને ધમની-શિરાઓ ઝૂમવા લાગી.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૯૪-૯૫)