અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/એક પંખી


એક પંખી

યૉસેફ મેકવાન

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે,
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે.

રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો,
બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે.

શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી,
નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે.

કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના–
તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે.

એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં,
આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.