અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/એક છોકરીના હાથથી રૂમાલ પડે


એક છોકરીના હાથથી રૂમાલ પડે

રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંયે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીંચે.
‘નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે’,
તે બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઈ ગયા ધરમી.
કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે?
ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
‘જરા મોઢાઓ માંજો ને શોભો!’
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.