અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ


ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ

રમેશ પારેખ

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કેઃ ક્યાં હાલ્યાં?
ઓઢણીએ કીધું કેઃ ઊડવા...

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યેઃ હવે ઝાલ્યો, ઝાલ્યો!
ઓરડાએ કીધુંઃ અલી, મારી મરજાદ રાખ
હું તને કઈ પા-થી સાલ્યો?

ના, નહીં જાવા દઉં... ના, નહીં — એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા

ઉંબર બોલ્યો કેઃ હું તો આડો નડીશ.
તયેં ઓઢણી બોલી કેઃ તને ઠેકશું,
ફળિયું ક્યેઃ અરરર, તો ઓઢણી ક્યેઃ મરરર
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું

વાયરાએ કીધું કેઃ હાલ્ય બાઈ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કેઃ ક્યાં હાલ્યાં?
ઓઢણીએ કીધું કેઃ ઊડવા...
૧૯-૪-’૭૫/બુધ
૧૨-૮-’૭૫/મંગળ